આણંદ: આણંદ અને વડોદરા જિલ્લાના મધ્યમાંથી પસાર થતી મહીસાગર નદીના તટ ઉપર ખનન માફિયાઓ બેફામ બન્યા છે. મહીસાગર નદીમાં પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમી સુરત ખાણ ખનીજ વિભાગની વિજિલન્સની ટીમને બાતમી મળી હતી. બાતમીને આધારે વિજિલન્સની ટીમ વડોદરા જિલ્લાના ભાદરવા પાસેના પ્રથમ પુરા ખાતેથી પસાર થતી મહીસાગર નદીના પટમાં દરોડો કર્યો હતો. જોકે વિજિલન્સની ટીમ કાર્યવાહી કરી રહી હતી. તે દરમિયાન 30 થી વધુ ખનન માફિયાઓએ આ ટીમ ઉપર એકા એક હુમલો કરી ટીમની બે કારને નુકશાન પહોંચાડ્યું હતું.
તંત્રની કાર્યવાહી: મહત્વનું છે કે ઘટના બાદ વિજિલન્સની ટીમે ભાદરવા અને ખંભોળજ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં ખનન માફિયા 10 હાઈવા ડમ્પર અને એક હિટાચી મસીન લઈ સ્થળ ઉપરથી ફરાર થઇ ગયા હતા. વિજિલન્સની ટીમ દ્વારા સ્થળ ઉપરથી 7 રેતી ખનન માટેની હિટાચી મસીન સહિત 6 જેટલી હોડીઓ તેમજ ઘણા હાઈવા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
તંત્ર પર સવાલ: મહીસાગર નદીના ભાદરવા પટમાં ખનન માફિયાઓએ એક કન્ટેઇનરમાં એસી ઓફીસ અને વજન કાંટો પણ કાયમી ઉભો કર્યો છે. આ સાથે આણંદ અને વડોદરા વચ્ચેની મહીસાગર નદીમાં ગેરકાયદેસર કાચો પુલ પણ બનાવ્યો છે. જે પુલ મારફતે વડોદરા તરફથી રેતી ખનન કરી આણંદ જિલ્લામાં દૈનિક 400 થી 500 ડમ્પર ગેરકાયદેસર ઘુસાડવામાં આવી રહ્યા હતા. સવાલ અહીં પણ ઉભો થાય છે કે ખાન ખનીજ વિભાગને આ ગેરકાયદે બનાવેલ પુલ અને વજન કાંટો અત્યાર સુધી કેમ નજરમાં ન આવ્યો.
'અમને બાતમી મળી હતી અને તેને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડતા અહીંયા ગેરકાયદે ખનન થતું હોય તેવું પકડાયું છે. દરોડામાં 7 રેતી ખનન માટેની હિટાચી મસીન સહિત 6 જેટલી હોડીઓ તેમજ ઘણા હાઈવા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.' -નરેન્દ્ર જાની, અધિકારી