- ખંભાતમાં હત્યા કેસમાં આરોપીની ધરપકડ
- આરોપી આંબખાડ વિસ્તારમાંથી ઝડપાયો
- ગાળો બોલવા માટે ઠપકો આપતા હત્યા કરી
આણંદ : ખંભાત શહેરના અકબરપુર વિસ્તારમાં મોટી ચુનારાવાડમાં 30 વર્ષીય સંજય ચુનારા રહેતો હતો. ગત રવિવારે બપોરે તેના ઘર આગળ ચુનારાવાડમાં રહેતો વિકી રાજેશ ચુનારા મોટેમોટેથી ગાળો બોલતો હતો. સંજય તે વ્યક્તિને તેના ઘર આગળ ગાળો બોલીશ નહીં તેમ કહ્યું હતુ. આ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને પગલે ઉશ્કેરાયેલા શખ્સે તેના માથામાં લાકડી મારી દેતા સંજય નીચે પડી ગયો હતો. આ દરમિયાન વિકીએ તેનું ગળું દબાવી દીધું હતુ. જેના કારણે સંજયનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતુ.
આણંદ પોલીસે આરોપીની કરી ધરપકડ
વિકી રાજેશ ચુનારા ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ખંભાત શહેર પોલીસે આ અંગે મૃતકના માતા ઉષાબેન અમૃતભાઈ ચુનારાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી અને બનાવના 5 દિવસ બાદ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજ્યની સુચના તેમજ ખંભાતના DySP ભારતી પંડ્યાના માર્ગદર્શન હેઠળ P.S.I. બી.ચૌધરી તેમજ તેમની ટીમે હત્યારા આરોપી વિકી રાજેશ ચુનારાની શોધખોળ આરંભી હતી. જો કે, આ અંગે પોલીસને આબાખાડ વિસ્તારમાં ઝાડી-ઝાંખરામાંથી આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યારો છેલ્લા પાંચ દિવસથી લાપતા હતો
આ અંગે શહેરના પી.આઇ. ચૌધરીના જણાવ્યા અનુસાર, ખંભાત અકબરપુર કેસમાં હત્યારો છેલ્લા પાંચ દિવસથી લાપતા હતો. હત્યા બાદ ખંભાત શહેર પોલીસે હત્યારની શોધખોળ માટે લાગી ગઈ હતી. જો કે, આજે શનિવારે ખંભાત પોલીસને હત્યારાને આબાખાડ વિસ્તારમાંથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.