- ખંભાતમાં શૈક્ષણિક ક્ષેત્રે વધુ એક ગોલ્ડ મેડલ
- એમટેકમાં પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
- 2019માં એમ.ટેકમાં 9.79 CGPA મેળવ્યા હતા
ખંભાત : શૈક્ષણિક નગરી ખંભાતે આજે અનેક તેજસ્વી તારલાઓને તૈયાર કરી શહેરને ગૌરવ અપાવ્યું છે. ગત માસમાં ત્રણ વિદ્યાર્થીઓએ એસ.પી યુનિવર્સિટી માં ગોલ્ડ મેડલ મેળવી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ડંકો વગાડયો હતો. આજે ચારૂસેટ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારંભમાં ખંભાતના બ્રહ્મભટ્ટ સમાજના વિદ્યાર્થી રવિ બારોટનું ગોલ્ડ મેડલથી સન્માન થતા ચરોતર સહિત ભાલ પંથકમાં આનંદની લાગણી વ્યાપી છે.
નાનપણથી જ શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ ક્રમાંક મેળવતો રહ્યો છે
ભાલ ચરોતર પંથકના છેવાડાના ખંભાત શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા પ્રથમ રહેતા તેમજ મક્કમ નિર્ધાર અને દ્રઢ મનોબળ સાથે બી.ઇ. એન્જિનિયરિંગ પૂર્ણ કરી એમ.ટેકમાં ચારૂસેટ યુનિવર્સિટીમાં 9.79 CGPA પ્રાપ્ત કરી દસમાં પદવીદાન સમારંભમાં ખંભાતના રવિ બારોટે ઉચ્ચ કારકિર્દી હાંસલ કરતા તેને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ તેના પરિવારજનો, પ્રિન્સિપાલ, કોલેજના સંચાલક મંડળ તથા બ્રહ્મભટ સમાજના અગ્રણીઓ દ્વારા આ વિદ્યાર્થીનું સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સમારંભમાં ગોલ્ડ મેડલથી સન્માનિત
ખંભાતના મોટા ભાટવાડા વિસ્તારમાં રહેતા અને કોર્પોરેશન બેન્કના નિવૃત અધિકારી પંકજ ભાઈ બારોટનો પુત્ર રવિ બારોટ નાનપણથી જ અવ્વલ રહી બી.ઇ. એન્જિનિયરિંગ પૂર્ણ કરી વર્ષ 2019માં એમ.ટેકમાં 9.79 CGPA પ્રાપ્ત કરી યુનિવર્સિટીમાં સર્વોત્તમ દેખાવ કરી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરતાં તેને 10માં પદવીદાન સમારંભમાં ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી સહિત સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન
વર્ષ 2020ના વર્ષમાં છેવાડાના ખંભાતના ચાર છાત્રોને ગોલ્ડ મેડલથી સન્માનવામાં આવ્યા છે. ત્યારે એમ.ટેકમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ રવિ પંકજભાઈ બારોટને યુનિવર્સિટી સહિત તેના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ દ્વારા તેનું વિશેષ સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉત્તમ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. નાનપણથી જ ભણવામાં તેજસ્વી ભણતર પાછળ સવિશેષ ફાળો આપતા રવિ બારોટે આ અંગે જણાવ્યું હતું કે, પ્રાથમિકથી લઇ ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. નાનપણથી જ મારે એન્જિનિયર બનવાની મહત્વાકાંક્ષા હતી. જે આજે પૂર્ણ થયું છે, મારી સફળતા પાછળ સવિશેષ ફાળો મારી માતાનો છે કે, જેમણે મારા સહિત મારી બંને બહેનોને પણ વિશેષ માર્ગદર્શન પૂરું પાડયું છે. આજે મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. અને મારી બંને બહેનો પણ સરકારી શાળામાં શિક્ષિકાઓ છે.