- આણંદ SOGએ ખંભાતમાં કરી રેડ
- અનઅધિકૃત રીતે રાખેલા 2000ના 50 બંડલ અને 500ના 450 બંડલ જપ્ત કરાયા
- રાજેશ નગીન પટેલ નામના વ્યક્તિના મકાનમાંથી મળી આવ્યા રોકડા
આણંદ : ખંભાત શહેરમાં આવેલા ખારો પાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશભાઈ પટેલના ઘરમાં મોટી માત્રામાં ભારતીય ચલણની ચલણી નોટો હોવાની બાતમી આણંદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપના અધિકારીઓને મળી હતી. જે આધારે તાપસ કરી પોલીસના SOG ગૃપના અધિકારીઓ અને જવાનોએ પંચોની હાજરીમાં ખંભાતના કુમાર ફળિયામાં રહેતા રાજેશ નગીનભાઈ પટેલના ઘરે રેડ કરી હતો. જ્યાં તપાસ દરમિયાન તેના ઘરના રૂમમાં રાખેલી તિજોરીમાંથી મોટી માત્રામાં ભારતીય ચલણની નોટોના બંડલ્સ મળી આવ્યા હતા.
ઘરના સદસ્ય સાથે વાત કરતા જરૂરી પુરાવા કે દસ્તાવેજ મળ્યા ન હતા
આ ઘટના અંગે ઘરના સદસ્ય સાથે પૂછપરછ કરતા કોઈ પૂરતા પુરાવા કે દસ્તાવેજ મળ્યા ન હતા. જેથી SOG પોલીસે મળેલી નોટોના બંડલની ગણતરી કરતા 2000ની નોટોના 50 બંડલ, જ્યારે 500ની નોટોના 450 બંડલ મળ્યા હતા. જેની ગણતરી કરતા 2000ના દરની 1 કરોડની રોકડ અને 500ના દરની 2.25 કરોડની રોકડ એમ કુલ મળી 3.25 કરોડના ચલણી નાણાંની રોકડ જપ્ત કરી આયકર વિભાગને જાણકારી આપી તપાસ કરવા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટમાં ઓનલાઈન લોન કરાવી પ્રોસેસિંગ ફીનાં નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનારી ગેંગ ઝડપાઈ
કરોડોની રોકડ જપ્ત થતા ખંભાત પોલીસ પણ ચોંકી ઉઠી હતી
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતના કુમાર ફળિયામાં રહેતા રાજેશ પટેલના રીનોવેશન ચાલતા ઘરે છાપો મારી કરોડોની રોકડ જપ્ત થતા ખંભાત પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજેશ પટેલના પત્ની પુનિતા પટેલની SOG પોલીસે પૂછપરછ કરી હતી. તેની પાસેથી મળેલી માહિતી મુજબ તેનો પતિ રાજેશ ખંભાત પાસે આવેલી શિતલ કેમિકલ ફેકટરીમાં કામ કરે છે અને તેનો પુત્ર ધવલ તેના કહ્યા પ્રમાણે લંડનમાં રહે છે.
પોલીસે રાજેશ પટેલને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
પોલીસને મળેલી રોકડ વિશે પત્નીના પોલીસને જણાવ્યા પ્રમાણે તે પતિના પગાર અને પુત્રે મોકલેલા નાણાં છે. જે રોકડ સ્વરૂપે ઘરમાં રાખ્યા હતા. હાલ પોલીસે રાજેશ પટેલને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હવે સમગ્ર ઘટનામાં મળેલી કરોડોની રોકડ કોની છે? અને ક્યાંથી આવી? તે અંગેના ખુલાસા રાજેશ પટેલ મળ્યા બાદ જ થઈ શકે! હાલમાં પોલીસે જિલ્લા પોલીસ વડા અજિત રાજયણની સૂચના મુજબ મળેલા નાણાં આયકર વિભાગને સોંપીને નાણાં ક્યાંથી આવ્યા અને કોના છે? તેનું પગેરું શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.