- આણંદ ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા
- આઈસર ટેમ્પા પાસે શકમંદ હાલતમાં ઉભેલા 2ને પકડ્યા
- 8થી વધારે ચોરી કરી ચૂક્યા હોવાની કબૂલાત
આણંદ: જિલ્લાના બોરીયાવી પાસે લુણાવાડાથી તેલના ડબ્બાઓની ચોરી કરીને આઈસર ટેમ્પામાં લઈ જઈ રહેલા 2 લોકોને આણંદ રૂરલ પોલીસે ઝડપી પાડ્યા છે. આ બન્ને ચોરોએ અગાઉ પણ 8 જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને જોઈને એક શખ્સ સ્થળ પરથી ફરાર
આણંદ ગ્રામ્ય પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે સમયે બોરીયાવી પાસે એક આઈસર ટેમ્પો પાસે 3 લોકો ઉભા હતા. આ લોકો પોલીસને જોઈને હેબતાઈ જતા શંકાના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં એક શખ્સ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જોકે, પોલીસે અન્ય બે શખ્સોને ઝડપીને આઈસરની તપાસ કરતા અંદરથી સંખ્યાબંધ તેલના ડબ્બા મળી આવ્યા હતા. જે અંગે પૂછતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી પોલીસ સ્ટેશન લઈ જઈને કડકાઈથી પૂછતાછ કરતા તેમણે લુણાવાડાના એક વેપારીના ગોડાઉનમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.
પકડાયેલા શખ્સો
- જીગ્નેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ (રહે. સામરખા, આણંદ)
- રજ્જાકશા દીવાન ઉર્ફે રાજા (રહે. સામરખા, આણંદ)
આરોપીઓ અગાઉ પણ સંખ્યાબંઘ ગુનાઓ આચરી ચૂક્યાં છે: DySP
આ ઘટના અંગે વાત કરતા આણંદના DySP બી. ડી. જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ બન્ને આરોપીઓ અગાઉ પણ આ પ્રકારે ચોરીઓ કરી ચૂક્યાં છે. આ ચોરો સૌપ્રથમ વાહનોની ચોરી કરતા હતા અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તેમના વિરૂદ્ધ અન્ય પોલીસ મથકોમાં પણ ગુનાઓ નોંધાયા છે. હાલમાં બન્નેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.