આણંદઃ વાસદ પોલીસે ટોલનાકા પાસેથી એક ગાડીને શંકાના આધારે ઉભી રાખી તપાસ કરતા ગાડીમાંથી પ્રતિબંધિત મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બે આરોપીઓને ઝડપી NDPSની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે આણંદ SOG પોલીસને સોંપ્યા હતા.
વાસદ PSI પી જે પરમાર તેમજ સ્ટાફના જવાનો વાસદ ટોલ નાકા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન વડોદરા તરફથી એક બોલેરો ગાડી આવી રહી હતી, જેને પોલીસે રોકીને તપાસ કરતાં પાછળના ભાગે પ્લાસ્ટિકના ખાલી બેલેન્સ મળી આવ્યા હતા. પોલીસે બારીકાઈથી તપાસ કરતા તળિયા ઉપર તેમજ નીચેના ભાગે ખાલી જગ્યા ન હોવાનું માલુમ પડ્યું હતું, જેથી પોલીસે ડ્રાઇવર તેમજ તેના સાથેના બે શખ્સોની પુછપરછ કરતાં તેઓ રાજસ્થાન ખાતે રહે છે અને તેમના નામ અમીન સરદારખાન અને સલીમ ફકરુ અમીન હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ગાડીની ઝીણવટ ભરી તપાસ કરતા ગાડીમાં બનાવેલા ગુપ્ત ખાનામાં 122.5 કિલો ગ્રામ જેટલો પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજિત રૂપિયા 3,64,150 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની અંગ જડતી કરતાં બે મોબાઈલ અને પીકઅપ ગાડી સાથે 6,25,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંનેની વધુ પૂછપરછ કરતાં આ પોશડોડાનો જથ્થો મધ્યપ્રદેશના મનસોર જિલ્લાના રાણા ખોડા ગામેથી બલ્લુ નામના શખ્સ પાસેથી ભરાવીને રાજુલાના લોઢાપર ગામે રહેતા બદરૂબાપુ કાઠી દરબારને ત્યાં પહોંચાડવાનો હતો તેમ જણાવ્યું હતું.