સભાની શરુઆતે ૧૦ કાઉન્સિલરોના રજા રિપોર્ટ, ગત સભાના કામોની મંજૂરી અંગે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટે વિગતો આપવાની શરુઆત કરતાં સત્તા પક્ષના બહુમતી સભ્યો દ્વારા એજન્ડાના સહિતના તમામ કામો મંજૂરનો હોકારો કરીને ઊભા થઇ ગયા હતા. આથી સભા પૂર્ણ થતા સૌ સભાખંડ છોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ બેઠકના એજન્ડામાં ઉભરાતી ગટર, તૂટેલી પાઇપલાઇનો રીપેરની કામગીરી, ડ્રેનેજ વિભાગના પમ્પીંગ રીપેરીંગ, આણંદ તથા બાકરોલ ઝોન વિસ્તારમાં આવેલ જુદા જુદા બોર પંપોના પાણીના સેમ્પલ ડિસ્ટ્રક્ટિ લેબોરેટરીમાં ટેસ્ટીંગ ખર્ચની મંજૂરી, આણંદ-ખંભાત રેલવે લાઇન પર અમૂલ ડેરી પાસેના રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવા રોકેલ એન્જિનિયરની કામગીરીનું રૂા. 1.35 લાખનું બિલ મંજૂર, વિવિધ સ્થળોએ કમ્પાઉન્ડ વોલ, વિવિધ સ્થળોએ રબર મોલ્ડ પેવિંગ બ્લોક સહિતના કામો મંજૂર કરાયા હતા.
આણંદમાં ૩૦ વર્ષમાં પાલિકાની અંદાજે વસ્તી પ.૯૧ ને ધ્યાને લઇનેે પાણી પુરવઠા યોજનાનો 144 કરોડનો અંદાજ લગાવી મહી નદી કિનારે હેડ વર્કસ બનાવવા, ઇન્ટેક વેલથી રો વોટર માટે 20 કિ.મી. પાઇપલાઇન નાંખવા સહિતની સરફેસ વોટર યોજના રજુઆત કરવામાં આવી,પાલિકાની બેઠકમાં આગામી 30 વર્ષને ધ્યાનમાં લઇને સરફેસ વોટર આધારિત યોજના તથા જૂની પીવાના પાણીની જર્જરિત પાઇપ લાઇનના નવીનીકરણ અંગે ૧૪૪.૧૦ કરોડનો અંદાજ રજૂ કરાયો હતો. જેમાં આણંદ શહેરની સરફેસ સોર્સ આધારિત પાણી પુરવઠા વ્યવસ્થા માટે જુલાઇ,ર૦૧૭માં તત્કાલિન રાજય પ્રધાન રોહિતભાઇ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં પાણી પુરવઠા બોર્ડના સભ્યસચિવ,જી યુ ડીસીના મેનેજિંગ ડિરેકટર, જી યુ ડીએમના પ્રમુખ, આણંદ પાલિકાના ચીફ ઓફિસર હાજર રહ્યા હતા. બેઠકમાં મહીસાગર નદીમાં ઇન્ટેક વેલ બનાવી સરફેસ સોર્સ આધારિત નવીન પાણી પુરવઠા યોજના માટે હેડ વર્કસ-સબ હેડ વર્કસના પ્રોજેકટ માટે વાપકોસ લી.ફીસીબીલીટી રીપોર્ટ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં રજુ કરાયો હતો. જેમાં મહી નદી કિનારે વેરાખાડીમાં હેડ વર્કસ બનાવવા, ઇન્ટેક વેલથી પ્રપોઝડ ડબલ્યુટીપી સુધી રો વોટર માટે 20 કિ.મી. પાઇપ લાઇન નાંખવા સાથે 30 વર્ષમાં અંદાજીત વસ્તી 5,91,044 મુજબની વોટર ડીમાન્ડ ૯પ.૧૬ એમએલડી મુજબ રૂ.144.10 કરોડનો અંદાજ રજૂ કરાયો હતો તથા સરકારની મહત્વાકાંક્ષી યોજના હર ઘરમેં, નલ સે જલ અંગે ચર્ચા વિચારણ કરી યોગ્ય નિર્ણય થવાનો ઠરાવ બહુમતીએ મંજૂર કરાયો હતો.ડબલ નંબરોવાળી ૧૦૭ મિલકતોનું માંગણું માંડવાળ કરવા બહુમતીએ ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં આણંદ પાલિકા હદ વિસ્તારમાં આશરે 107 જેટલી મિલકતો ડબલ એન્ટ્રી કે ખોટા માંગણાની ગણતરીના કારણે માંગણુ ડબલ થઇ ગયું છે. આમ એક જ મિલકત પર રેગ્યુલર ટેકસ નિયમિત ભરપાઇ થાય છે અને અગાઉના નંબરનો ટેકસ બાકી પડે છે. જેના કારણે પાલિકાનું માંગણું વધતું જાય છે અને વસૂલાતની ટકાવારી ઓછી જણાતી હોવાથી ડબલ નંબરોવાળી મિલકતોનું માગણું માંડવાળ કરવાનો નિર્ણય આજની બેઠકમાં બહુમતીએ મંજૂર થયો હતો.ટ્રાફિકની સમસ્યા નિવારવા ભાલેજ ઓવરબ્રીજને છ માર્ગીય કરવા સહિતની સરકારમાં રજૂઆત કરાશે જે અંગે પાલિકાની આ સભાના એજન્ડામાં ઇસ્માઇલ નગર વિસ્તારમાં આવેલ ઓવરબ્રીજ મામલે નાયબ ઇજનેરના રિપોર્ટને ધ્યાને લેવાયો હતો. જેમાં ઓવરબ્રીજનો પશ્ચિમ ભાગનો છેડો આણંદ પાલિકા વિસ્તારના 100 ફુટ રોડને મળે છે તથા પૂર્વ ભાગનો છેડો સામરખા ચોડી તરફના નેશનલ હાઇવે નં.48ના રસ્તાને તથા નેશનલ એકસપ્રેસ વે ૧ને મળે છે. આ બ્રીજના પશ્ચિમ છેડાથી સામરખા ચોકડી સુધીનો ૧૦૮૦ કિ.મી.નો રસ્તો માર્ગ-મકાન વિભાગ, આણંદ હસ્તક છે તથા બ્રીજના પશ્ચિમ છેડાથી પાયોનિયર ચાર રસ્તા સુધીનો ૩૬૦ મીટરનો રસ્તો આણંદ પાલિકા હસ્તકનો છે. આણંદના ધોરીમાર્ગ સમાન આ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. નજીકના ભવિષ્યમાં સામરખા ચોકડી પાસેથી બુલેટ ટ્રેન પસાર કરવાનું ભારત સરકારનું આયોજન છે. આ માર્ગ ટ્રાફિકની અનેક રજૂઆતો પાલિકાને મળી હોવા સાથે ચોમાસામાં બ્રીજને નુકસાન થાય છે. આથી ૧૯૮૯માં નિર્માણ થયેલ દ્વિ માર્ગીય ઓવરબ્રીજને ચાર માર્ગીય કરવાની તથા સામરખા ચોકડીથી હયાત ઓવરબ્રીજને પાયોનિયર ચોકડી સુધી ફલાય ઓવરબ્રીજ કરવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત શહેરનો વિકાસ એકસપ્રેસ-વે સુધી થઇ જતા રસ્તાની પહોળાઇ પણ છ માર્ગીય કરવાની આવશ્યકતા અંગે જરુરી નિર્ણય કરવા સરકારમાં રજુઆત કરવાનું ઠરાવાયું હતું. ઉલ્લેખનીય છે કે બે મિનિટમાં સભા આટોપી લેવાની પરંપરા આણંદ પાલિકાએ યથાવત રાખતા કરોડનાં કામોને બહુમતીના જોરે મંજુર કરી સભા આટોપી લીધી હતી.