- ધાડ અને લૂંટના ગુનામાં 7ની ધડપકડ
- આણંદ LCB પોલીસે ભાદરણ પોલીસના ગુનાનો ભેદ ઉકેલ્યો
- આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભાદરણમાં બનેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે, જેમાં 7 યુવાનોને ઝડપ્યા બાદ આ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. બોરસદ તાલુકાના સિસ્વા ઉમલાવ રોડ ઉપર આવેલી તમાકુની ખરી પાસે ઉમલાવ ગામે રહેતા અને ભાદરણમાં ધવલ ટ્રેડર્સ નામની અનાજ-કરિયાણાની દુકાન ધરાવતા વેપારી કાકા ભત્રીજાને માર મારી 2 લાખની મત્તાની લૂંટ કરવાના ગુનામાં આણંદ એલસીબીએ સાત લોકોની ધરપકડ કરીને 4.75 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભાદરણ પોલીસને હવાલે કર્યા છે.
LCBએ હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મેળવી મહિતી
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમલાવ ગામે રહેતા શંકરલાલ મહેશ્વરીની ભાદરણ ખાતે ધવલ ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાન આવેલી છે. જેમાં ગત 11મી તારીખના રોજ દુકાન બંધ કરીને રાત્રિના સુમારે બાઈક પર ઘરે પરત જતા હતા ત્યારે સિસ્વા ઉમલાવ રોડ પર એક્ટીવા પર આવી ચડેલા પાંચ જેટલા શખ્સોએ ગમે તેવી ગાળો બોલી લાકડાના ડંડા વડે મારમારીને બે લાખ રૂપિયા ભરેલી થેલીની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. લૂંટ સંદર્ભે તપાસ કરતા LCBએ હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરતા એવી માહિતી મળી હતી કે, લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સો ભાદરણ ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે ભેગા થયા છે, જેના આધારે પોલીસે છાપો મારતા સાત જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા.
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચના છટકામાં આવેલા લોકોના નામ પુછતા હાર્દિક મુકેશભાઈ, પ્રભાતભાઈ રબારી, ગૌરવકુમાર જયંતીભાઈ જાદવ, સમીર ભીમાભાઇ, રમણભાઈ પરમાર, નીર ચંદ્રકાંત, પટેલ યસ, વિક્રમભાઈ ગોરધનભાઈ માછી, રાજા રમેશભાઈ પટેલ અને બ્રિજેશભાઈ સુરેશભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેમની અલગ અલગ પુછપરછ કરતા તેઓએ સિસ્વા ઉમલાવ રોડ પર લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી.
કઇ રીતે આપ્યો ઘટનાને અંજામ...
આણંદ જિલ્લા પોલીસના નાયબ અધિક્ષક બી. ડી. જાડેજાના જણાવ્યા અનુસાર, ધવલ ટ્રેડર્સના શંકરલાલ અને મેહુલકુમાર દરરોજ દુકાન બંધ કરીને વકરાના પૈસા બાઈક પર લઈને પોતાના ઘરે જતા હતા, ત્રણેક દિવસથી લૂંટ કરવાનો પ્લાન રાહુલ રબારી તથા સમીર અને ગૌરાંગે બનાવ્યો હતો. ગૌરાંગે શંકરલાલના આવવા જવાના સમયની રેકી કરી હતી અને પ્લાનમાં બીજા વાહન તેમજ માણસોની જરૂર પડતા રાહુલ રબારીએ વિદ્યાનગર ખાતે રહેતા તેના મિત્ર રાજા, નીર અને ડેટાનો સંપર્ક કર્યો હતો. તેઓને ડિયો લઈને ભાદરણ બોલાવ્યા હતા. રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે શંકરલાલ તેમના ભત્રીજા સાથે દુકાન બંધ કરી બાઈક ઉપર સવાર થઇ ઘર તરફ જવા નીકળ્યા હતા. તે સાથે જ રાહુલ રબારીએ પોતાના લાકડાના ડંડાઓ લઈને રાજા અને અને ડેટાને અગાઉથી ઉમલાવ જવાના રોડ પર આવેલી ગામની તમાકુની ખરી પાસે ઉભા કરી રાખ્યા હતા. એકટીવા ઉપર ગૌરાંગ અને કવાએ પીછો કરીને ખરીથી થોડે દૂર શંકરલાલને બાઈક આગળ ઉભું કરી દઇને બાઈક ઉભું રાખવા ફરજ પાડી હતી. તે સાથે જ લાકડાના ડંડાથી માર મારીને ગમેતેમ ગાળો બોલી બે લાખની થેલી લૂંટીને ભાદરણ તરફ ભાગ્યા હતા. બ્રિજેશ પટેલને નજીકના રોડ ઉપર થેલી આપી દીધી હતી. રાહુલે તમામ રૂપિયા તેનાં સ્કૂટરની ડીકીમાં મૂકી દીધા હતા. ખાલી થેલો રાજાને આપી દીધો હતો. રાજાએ ખાલી થેલો ખેડાસા ગામ પહેલા રોડની સાઈડમાં નાખી લીધો હતો. ત્યારબાદ લુટમાં મળેલા રૂપિયા બીજા દિવસે રાહુલ રબારીએ ભાગ પાડીને વેચી દીધા હતા. આ કબૂલાતના આધારે 7 આરોપીઓની ધરપકડ કરીને તેઓની પાસે તે લુંટમાં ગયેલા બે લાખમાંથી 40 હજાર રોકડા, 7 મોબાઇલ ફોન, વરના કાર, ડિયો સ્કૂટર સહિત કુલ ૪.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગુના સાથે સંકળાયેલા હથિયારો પણ કર્યા જપ્ત
પોલીસને આ ગુનામાં મધ્યપ્રદેશથી લાવવામાં આવેલા હથિયારોની પણ જાણકારી પ્રાપ્ત થતાં પોલીસ દ્વારા આ હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. જેમાં આર્મ્સ એકટ અંતર્ગત પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.