આણંદ: સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને રાહત દરે અનાજ-કઠોળનો જથ્થો આપવામાં આવતો હોય છે. ત્યારે સરકાર અનાજના જથ્થાની ગુણવતાને લઈને કેટલી જાગૃત છે તેનો કિસ્સો આણંદથી સામે આવ્યો છે. પ્રથમ નજરે એકદમ ઉચ્ચ ગુણવત્તાના દેખાતા ચણાનો જથ્થો વિભાગે કરેલ ગુણવત્તાના પરીક્ષણમાં ફેઈલ ગયો હતો. જેના કારણે જિલ્લામાં આવેલા અંદાજિત 80 મેટ્રિક ટન જેટલો જથ્થો હાલ સાઈડ આઉટ કરી રિપ્લેસમેન્ટ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે.
80 મેટ્રિક ટન ચણો ચકાસણીમાં ફેઈલ: આણંદમાં સરકારી અનાજના લાભાર્થી માટે તહેવારો પહેલા વિતરણ માટે આવેલો કઠોળના જથ્થાનું સેમ્પલ ચકાસણીમાં ફેઈલ ગયું હોવાની જાણકારી પુરવઠા વિભાગના આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ રહી છે. જિલ્લામાં આવેલો 80 મેટ્રિક ટન જથ્થો વિતરણ કર્યા વગર હવે તેના રિપ્લેસમેન્ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સમગ્ર મામલે અધિકારી સાથે થયેલી વાતચીતમાં સામે આવ્યું હતું કે સરકારી અનાજનો જથ્થો જ્યારે મુખ્ય ગોડાઉનમાંથી નીકળે છે. ત્યારે તેનું એક સેમ્પલ લેવાય છે. જ્યારે તે જિલ્લામાં ગોડાઉનમાં પહોંચે ત્યારે પણ તેનું રેન્ડમ સેમ્પલ લેવાયા બાદ ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જે બન્ને સેમ્પલ પરીક્ષણ કર્યા બાદ તેને લાભાર્થીઓને વિતરણ કરવામાં આવે છે.
લાભાર્થીઓને જોવી પડશે રાહ: ગોડાઉનનું સેમ્પલ ફેઈલ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નિગમની સૂચના અનુસાર પરીક્ષણમાં ફેલ ગયેલા ચણાનો જથ્થો હાલ સાઈડમાં કરી દેવામાં આવ્યો છે. નવો જથ્થો આવ્યા બાદ ચણાનું વિતરણ કરવામાં આવશે. જેથી લાભાર્થીઓને નવો જથ્થો આવે ત્યારબાદ તેની ફાળવણી સુધી રાહ જોવી પડશે.
પુરવઠા અધિકારી અને કલેક્ટરે જવાબ આપવાનું ટાળ્યું: સમગ્ર મામલે આણંદ જિલ્લાના પૂરવઠા અધિકારી શિવાંગી શાહનો સંપર્ક કરી માહિતી માંગવાનો પ્રયત્ન કરવામાં આવતા તેઓ કોઇપણ માહિતી આપી નહિ શકે તેમ જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ સમગ્ર ઘટના અંગે જિલ્લા કલેકટરને પૂછતાં તેમણે પણ કંઈ ન બોલવાનું યોગ્ય સમજ્યું હતું. બીજી તરફ એ વાત સાચી માની શકાય કે સરકારી અનાજના જથ્થાનું પણ પરીક્ષણ યોગ્ય રીતે થાય છે અને સરકારી તંત્ર અનાજની ગુણવત્તાને લઇને મહદ્અંશે જાગૃત તો છે !