- આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગાયની નવી પ્રજાતિ ‘ડગરી’ને ઓળખ અપાવી
- ભારતમાં હાલ ગાયની 50 જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે
- ભારતની પશુઓની કુલ 175 પ્રજાતિઓમાંથી 24 પ્રજાતિ ગુજરાતમાં આવેલી છે
આણંદ: સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવે તેવી વાત સામે આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાયની નવી પ્રજાતિ ‘ડગરી’ને નવી ઓળખ આપવામાં આવી છે. આ માટે રજીસ્ટ્રેશન કમિટીની રચના ICAR દ્વારા ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ (એનિમલ સાયન્સ)ના વડપણ નીચે તા. 24 જાન્યુઆરી, 2020ના રોજ નવી દિલ્હી ખાતે મળેલ બેઠકમાં કરવામાં આવેલ હતી. જેમાં આ પ્રજાતિને માન્યતા આપવામાં આવી હતી.
કોણ કરે છે નવી પ્રજાતિઓનું રજીસ્ટ્રેશન
દેશમાં જુદા જુદા પ્રાણીઓની પ્રજાતિનું રજીસ્ટ્રેશન કરાવવા માટેની કામગીરી નોડલ એજન્સી તરીકે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR) હસ્તકની હરીયાણા ખાતે આવેલી રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યૂરો(NBAGR) સંસ્થા કરે છે. આ કામગીરી કરવા માટે બ્રીડ રજીસ્ટ્રેશન કમિટીની રચના ICAR દ્વારા ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ (એનિમલ સાયન્સ)ના વડપણ નીચે તા. 24 જાન્યુઆરી, 2020ના રોજ નવી દિલ્હી ખાતે મળેલ બેઠકમાં કરવામાં આવેલ હતી. આ બેઠકમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ રાજ્યના પશુપાલન વિભાગના સ્ટાફની મદદથી તૈયાર કરવામાં આવેલી પર્વતીય પ્રજાતિને માન્યતા આપવા બાબતની દરખાસ્ત તા. 31 ડિસેમ્બર, 2018ના રોજ NBAGRને પ્રસ્તુત કરવામાં આવી હતી. સદર દરખાસ્તના તમામ પાસાઓને તપાસીને આ કમિટી દ્વારા ‘ડગરી’ ગાયને નવી પ્રજાતિ તરીકે માન્યતા આપવામાં આવી છે. જેનો નોંધણી નંબર INDIA_CATTLE_0400_DAGRI_03046 છે.

ભારતમાં પશુઓની કુલ 175 પ્રજાતિઓમાંથી 24 પ્રજાતિઓ ગુજરાતમાં
ભારતમાં હાલ ગાયની 50 પ્રજાતિઓ આવેલી છે. જેમાંથી ગુજરાતમાં ગીર, કાંકરેજ, ડાંગી અને ત્યારબાદ હવે ડગરીનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય પશુધનની જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે અને અત્યાર સુધીની ભારતમાં પશુઓની કુલ 175 પ્રજાતિઓમાંથી 24 પ્રજાતિઓ ગુજરાતમાં આવેલી છે. ગુજરાતની ગીર ગાય તેના દૂધ ઉત્પાદન માટે ગુજરાત અને ભારતમાં જ નહી, પરંતુ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ પામેલ છે. જ્યારે કાંકરેજ ગાય દૂધ તેમજ બળદ ખેતી કામોમાં તેની વધુ ભાર વહન કરવાની ક્ષમતા અને ખડતલ બાંધાને કારણે ખૂબ જ જાણીતી છે.

ડગરી ગાયની ઓળખયાત્રા
ડગરી ગાયની ઓળખ માટેની શરૂઆત ડૉ. કે. બી. કથીરીયા દ્વારા વર્ષ-2015માં કરવામાં આવી હતી. તેઓ 2011થી 2019 દરમિયાન જ્યારે સંશોધન નિયામક હતા, ત્યારે મધ્ય ગુજરાતના જુદા જુદા 9 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો અને તેમા પણ ખાસ કરીને ગોધરા, દાહોદ, છોટા-ઉદેપુર જિલ્લાના વિવિધ સંશોધન કેન્દ્રો અને વિસ્તારની મુલાકાતે જતા હતા. તેઓનો વિષય પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ હોવાથી તેઓ વનસ્પતિની સાથે સાથે પશુઓના બ્રીડિંગ બાબતે પણ ખૂબ ઊંડો રસ ધરાવતા અને બ્રીડિંગના જ્ઞાનનો ઉપયોગ વનસ્પતિ તેમજ પશુઓના ક્ષેત્રે સારી રીતે થઈ શકે તે માટે તેઓ સતત યોગદાન આપતા હતા. આ વિસ્તારની મુલાકાત દરમિયાન ખેડૂતો દ્વારા પાળવામાં આવતી ગાયો અને બળદો તેમજ રસ્તા ઉપર ચરવા જતા ધણમાં મોટી સંખ્યામાં ગાયોની સંખ્યા જોતા ત્યારે તેઓને આ ગાયો અને બળદોની પ્રજાતિ અન્ય પ્રજાતિઓ કરતાં જુદી જણાતી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને વર્ષ 2016-17માં આ ગાયનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાઓનું પાત્રાલેખન તેઓના સીધા માર્ગદર્શન હેઠળ ડૉ. ડી. એન. રાંક, ડૉ. આર. એસ. જોષી અને ડૉ. એ. સી. પટેલ એનિમલ જિનેટિક્સ એન્ડ બ્રીડિંગ વિભાગ, વેટરનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ડૉ. ડી. સી. પટેલ, પ્રોફેસર, એનિમલ ન્યૂટ્રિશન વિભાગ, ડૉ. એ. એમ. ઠાકર, નિવૃત પ્રિન્સિપાલ અને ડીન તેમજ ડૉ. એમ. કે ઝાલા, સહ સંશોધન નિયામકનો પણ સહયોગ અને માર્ગદર્શન મળેલ હતું.

ડગરી ગાયનો વિસ્તાર અને તેની સંખ્યા:
આ પ્રકારની ગાયો જે વિસ્તારમાં જોવા મળતી હતી, તેના સર્વેની કામગીરી વર્ષ 2016-17 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આ સર્વે દરમિયાન આ પ્રકારની ગાયોનો વિસ્તાર મુખ્યત્વે દાહોદ, છોટાઉદેપુર અને થોડા અંશે પંચમહાલ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં પણ જોવા મળ્યો હતો. આ જિલ્લાઓમાં ભારત સરકાર દ્વારા 19મી પશુઓની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તે મુજબ તેની સંખ્યા આશરે 2,82,403 જેટલી જોવા મળી હતી. આ સમગ્ર વિસ્તાર આદિવાસી જિલ્લાઓનો વિસ્તાર છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો મોટા ભાગનો બધો જ વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે. જયાં ચોમાસા દરમ્યાન સારા પ્રમાણમાં વરસાદ હોય છે. પરંતુ ઉનાળા દરમિયાન જમીન ડુંગરાળ તેમજ ખડકાળ હોવાથી પિયત પાણીની સુવિધા કૂવાઓ/નહેરો દ્વારા નહિવત હોવાથી ચોમાસા સિવાય પશુઓ સૂકા ચારા ઉપર અને ખાસ કરીને ચરિયાણ ઉપર નિર્ભર હોય છે.
ગાયની બાહ્ય લાક્ષણિકતાઓનું પાત્રાલેખન:
ગાયની નવી પ્રજાતિની ઓળખ માટેના નિયત કરેલા ધારા-ધોરણોનો અભ્યાસ કરવા માટે અંદાજીત 600થી વધુ ગાયોના શારીરિક લક્ષણો જેવા કે રંગ, કપાળની લંબાઈ અને પહોળાઈ, શિંગડાની લંબાઈ-ગોળાઈ, શરીરની લંબાઈ, ઊંચાઈ, પૂંછડીની લંબાઈ વગેરેના અવલોકનો નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાની વાછરડી અને વાછરડા તેમજ બળદોના લક્ષણો અને બળદોની ખેતીમાં કાર્યક્ષમતાનો પણ વૈજ્ઞાનિક માપદંડો મુજબ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ લક્ષણોનો અભ્યાસ કરતા આ પ્રજાતિનો રંગ મુખ્યત્વે સંપૂર્ણ સફેદ અથવા તો સફેદ રંગની સાથે આગળ અને પાછળના પગ પર ભૂખરા રંગની ઝાંય જોવા મળે છે. જ્યારે જૂજ સંખ્યામાં ગાયોનો રંગ રાતાશ પડતો સફેદ જોવા મળે છે. આ ગાયના શિંગડા પાતળા, ઉપરની તરફ વળેલા અને શિંગડાની ટોચ તીક્ષ્ણ અણીવાળી હોય છે. આ ગાયના કાન સીધા અને ખુલ્લા હોય છે. આ ગાયનું મુખ્ય લક્ષણ ટૂંકા-પાતળા પગ અને ઊંચાઈ ઓછી હોય છે. ગાયનું વજન સામાન્યત 170 લીટર જેટલું હોય છે, તેમજ વેતર દીઠ 300-400 લીટર જેટલું દૂધ આપતી હોય છે. આ વિસ્તારમાં ગાયોની અગત્યતા દૂધ કરતાં તેના વાછરડાઓને ઉછેરીને બળદ તરીકે ખેતી કાર્યોમાં ઉપયોગમાં લેવા માટેની છે. કારણ કે આ બળદોનો ઉપયોગ પહાડી વિસ્તાર તેમજ ઢોળાવવાળી જમીનમાં ખેતી માટે કરવામાં આવે છે. આ બધો જ વિસ્તાર આદિવાસી જનજાતિનો હોવાથી મોટા ભાગની ખેતી માત્ર બળદો દ્વારા જ કરવામાં આવે છે. બળદો ઓછું વજન ધરાવતા અને કદમાં નાના હોવાથી આ વિસ્તારમાં ખેતી માટે ખૂબ જ અનુકૂળ આવે છે. એટલું જ નહીં પરંતુ લીલા અને સૂકા ઘાસચારાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને આ ઓલાદને ઓછા ઘાસચારાની જરૂરિયાત હોવાથી વધારે અનુકૂળ આવે છે.

ખોરાક અને ઉછેર:
આ પ્રજાતિના પશુઓને સામાન્ય રીતે રાતના સમયે ઘરને અડીને જ બનાવવામાં આવેલા છાપરા, કાચી માટીની દીવાલોથી બનાવેલ ઘાસના ઝૂંપડાઓ, નળિયાથી ઢાંકીને બનાવવામાં આવેલ કાચા મકાનોમાં અથવા ખુલ્લી જગ્યામાં બાંધવામાં આવે છે. આ પશુઓને ચોમાસા દરમિયાન સવારથી સાંજ સુધી ખુલ્લામાં ચરાવવામાં આવે છે. જેથી તેમને લીલો ચારો મળી રહે છે. રાતના સમયે સામાન્ય રીતે સૂકો અથવા જરૂરિયાત જણાય તો લીલો ચારો આપવામાં આવતો હોય છે. ચોમાસુ પૂરૂ થયા બાદ ચરિયાણવાળા પહાડી વિસ્તારમાંથી સૂકું ઘાસ કાપીને તેનો સંગ્રહ આખા વર્ષ માટે કરવામાં આવતો હોય છે. શિયાળા અને ઉનાળા દરમ્યાન પણ ચરિયાણમાં પશુઓને સવારના સમયે અથવા આખો દિવસ ચરાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત ખેડૂતો વાવેતર કરેલ બાજરા અને જુવારની કડબ તેમજ મકાઈના ડોડા કાઢયા બાદ ઉપલબ્ધ સૂકા છોડનો ઉપયોગ ઘાસચારા માટે પણ કરતા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો, ગાયો કરતાં બળદોની વધારે કાળજી રાખતા હોય છે.
દૂધ ઉત્પાદન:
વેતરની શરૂઆતમાં મોટા ભાગનું દૂધ વાછરડાને ધવડાવવા માટે વપરાય છે. સામાન્ય રીતે ગાયનું દરરોજનું ઉત્પાદન 1.5 થી 2.0 લીટર જેટલું અને વેતર દીઠ 300-400 લીટર જેટલું હોય છે. ઓછા દૂધ ઉત્પાદનનું મુખ્ય કારણ અપૂરતો અને અસમતોલ પશુ આહાર તેમજ મુખ્ય ઘાસચારાનો આધાર ચરિયાણોમાં થતા સૂકા ઘાસચારા ઉપર રહેલો છે. આ પ્રજાતિના પશુઓ વાતાવરણના વિપરિત પરિબળો અને પરિસ્થિતિમાં ખૂબ જ સારી રીતે ટકી શકવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત આ પશુઓમાં ખરવા-મોવાસાનો રોગ તેમજ અન્ય રોગોનું પ્રમાણ પણ ઘણું ઓછું જોવા મળે છે, તેવું સ્થાનિક ખેડૂતોને રૂબરૂ પૂછપરછ કરતાં માલૂમ પડી હતી. આ બાબત દર્શાવે છે કે, આ પ્રજાતિના પશુઓમાં આવતા રોગો સામે પણ સારી એવી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

આ પ્રજાતિની જાળવણી
આ નવી પ્રજાતિને માન્યતા મળવાથી તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી બને છે. ખાસ કરીને શક્ય હોય તો આ માટે ઊંચી ગુણવત્તા ધરાવતું ધણ(નર અને માદા પશુઓ) ઊભું કરીને તેમાંથી ઊંચી ગુણવત્તા ધરાવતી ગાયો તેમજ સાંઢને કૃત્રિમ વીર્યદાન અથવા કુદરતી રીતે સંવર્ધનમાં ઉપયોગ કરી શકાય અને આવી રીતે ભવિષ્યમાં લાંબાગાળે આ વિસ્તારની ડગરી ગાયની પ્રજાતિમાં આનુવંશિક સુધારો થવાથી દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થશે અને સારી ગુણવત્તાવાળા બળદો તેમજ સાંઢ પણ મળી શકશે. વધુમાં, આ વિસ્તારમાં આ પ્રજાતિનું અન્ય પ્રજાતિના નર સાથે સંકર સંવર્ધન કુદરતી કે કૃત્રિમ વીર્યદાન થકી ન કરવામાં આવે તેવી વ્યવસ્થા સત્વરે ગોઠવવી ખાસ જરૂરી બને છે. જેથી ગાયની આ નવી પ્રજાતિ ‘ડગરી’ની જાળવણી તેની આનુવંશિક શુદ્ધતા જાળવીને જ તે વિસ્તારમાં મોટી સંખ્યામાં કરી શકાશે.