આણંદ: ગુજરાતના દૂધ સંઘ દ્વારા એપ્રિલ 2020 દરમિયાન અંદાજીત 255-260 લાખ લીટર દૂધ પ્રતિદિવસ સંપાદિત કરવામાં આવે છે,દૂધ સંઘ દ્વારા હાલમાં જે દૂધ ઉત્પાદન કરવામાં આવે છે તે એપ્રિલ 2019 કરતા ૧૫ ટકા જેટલું વધારે છે.

વધુમાં ગુજરાત સરકારના આદેશ મુજબ જે દૂધ ઉત્પાદકો દૂધ મંડળીઓ સાથે જોડાયેલ નથી તેઓનું પણ દૂધ,દૂધ મંડળી ખાતે સ્વીકારવામાં આવે તેવી વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી. જેથી દૂધ સંઘ દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. કારણ કે ખાનગી વેપારીઓ અને મીઠાઈની દુકાનદારોના વ્યવસાય બંધ હોવાના કારણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદન પ્રવૃતિ સદંતર બંધ થઈ ગઇ હતી. જેથી ગુજરાતના દૂધ સંઘ દ્વારા તેવા તમામ 18600 દૂધ મંડળીઓ અને 3600000 દૂધ ઉત્પાદકોને કોરોનાવાઇરસના સંક્રમણથી બચવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે.

દૂધ ઉત્પાદકોને પણ દૂધ ભરવા આવતી વખતે સોશિયલ ડિસ્ટનસ જળવાઈ રહે તે માટે દૂધ મંડળીના દૂધ ભરતા પહેલા હાથ સાફ કરે અને સ્વચ્છતાનું પૂર્ણ પાલન કરે તે માટે માહિતગાર કરાયા હતા. દૂધ સંઘના ટેન્કરો જ્યારે દૂધ મંડળીમાંથી દૂધ લે ત્યારે અને દૂધ સંઘમાં પ્રવેશે ત્યારે તેને સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આવે છે.

દૂધ સંઘ દ્વારા કામ પર આવતા તમામ અધિકારીઓ મજુર ડ્રાઇવર તથા તમામ કર્મચારીઓના શરીરનું તાપમાન રોજિંદા ક્રમ અનુસાર ચકાસણી કરવામાં આવે છે. વધુમાં તમામ સ્ટાફને સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવા માટે અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા માટે તથા માસ્ક અને મોજા ફરજિયાત પહેરવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે.
અમૂલ ફેડરેશન દ્વારા માર્ચ 2020 દરમિયાન અંદાજીત 140 લાખ લીટર દૂધ પ્રતિ દિવસ દૂધનું વેચાણ કરવામાં આવતું હતું . જે હાલમાં ઘટીને ૧૨૫ લાખ લીટર દૂધ પ્રતિદિવસ થઇ ગયુ છે. કોરોના વાઇરસના કારણે દૂધ વેચાણમાં ઘટાડો થયો છે કારણ કે હોટલ રેસ્ટોરન્ટ અને કેટરિંગના ધંધા બંધ હોવા થયા છે.
આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના સહકારી ડેરી ઉદ્યોગ દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં કુલ ૧૫ કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.