આણંદ: કર્ણાટક રાજ્યમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષોની ચર્ચાઓ કરતા વધુ સ્થાનિકોનો રસ અમૂલના કર્ણાટકમાં શરૂ થવા જઈ રહેલા દૂધ-દહીંના વેચાણ પર વધુ જોવા મળી રહ્યું છે.
બે સંસ્થાઓ વચ્ચે સ્પર્ધા?: સહકારી મંડળીઓ થકી દૂધ અને દુધની બનાવટોનું વેચાણ કરી વિશ્વ સ્તરે સહકારિતામાં રહેલી શક્તિનું એક અજોડ ઉદાહરણ બનીને ઉભરી છે. અમૂલ ડેરીના ઉત્પાદનોનું વેચાણ કરતી સંસ્થા GCMMFLના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ETV ભારતને માહિતી આપતા જણાવ્યું હતું કે જેમ અમૂલ ગુજરાતમાં ખેડૂતોની સહકારી સંસ્થા છે, તેમ KMF કર્ણાટકમાં સહકારી છે. બે સહકારી મંડળીઓ અને ખેડૂતોની માલિકીની બે સંસ્થાઓ વચ્ચે સ્પર્ધાનો કોઈ પ્રશ્ન જ નથી.
આ પણ વાંચો: GCMMFL: ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને નોંધાવ્યું 55,055 કરોડનું ટર્નઓવર
અમૂલ અને નંદિની વચ્ચે સારા સંબંધો: વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અમૂલ અને નંદિની વચ્ચે સારા સંબંધો છે અને તે ચાલુ રહેશે. અમારા ઉત્પાદનોને એક જ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવાનો અમારો નાનકડો પ્રયાસ છે. હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે બે સહકારી સંસ્થાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. અમૂલ દહીં અને દૂધની બનાવટો માત્ર ઈ- અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા જ વેચવામાં આવશે, જે આવતા સપ્તાહે લોન્ચ થશે. અમે અમારા પાર્લર દ્વારા ઉત્પાદનો પણ વેચીશું નહીં.
આ પણ વાંચો: AMUL Organization: 'સરદાર'ની અસરદાર સલાહથી અસ્તિત્વમાં આવી અમૂલ સંસ્થા, જાણો અવનવી વાતો
બેંગલુરુમાં અમૂલની ત્રણ પ્રોડક્ટ્સ વેચાશે: તેમણે ઉમેર્યું હતું કે બેંગલુરુમાં અમૂલની ત્રણ પ્રોડક્ટ્સ વેચવામાં આવશે. અમૂલ તાઝા ટોન્ડ મિલ્ક 54 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ ગોલ્ડ મિલ્ક (6 ટકા ફેટ) 64 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ મસ્તી દહી 30 રૂપિયા પ્રતિ 450 ગ્રામનો સમાવેશ થાય છે. દૂધ તાજું હશે કારણ કે તે આંધ્ર પ્રદેશના મદનપલ્લે ખાતેના અમારા પ્રોસેસિંગ પ્લાન્ટમાં પેક કરવામાં આવશે. જે બેંગલુરુથી માત્ર 100 કિમી દૂર છે.