- અમૂલ ડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો
- કરમસદ મેડિકલ ખાતે 2000 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળો પ્લાન્ટ દાન કરાયો
- અમૂલના CSR ફંડમાંથી ઉભી કરવામાં આવી સુવિધા
- 45 લાખના ખર્ચે 2000 કિલોની સંગ્રહ ક્ષમતા સાથેનો પ્લાન્ટ કરવામાં આવ્યો શરૂ
આણંદઃ વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી દ્વારા આણંદ જિલ્લામાં સૌથી વધુ કોવિડ દર્દીઓને સારવાર આપતી કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ દાન કરવામાં આવ્યો છે. જેથી વર્તમાન સમયમાં દર્દીઓને પડતી ઓક્સિજનની અછતને ઘટાડી શકાય.
આ પણ વાંચોઃ વિસનગરમાં સિવિલ હોસ્પિટલને 12,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ મળશે
અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર રહ્યાં ઉપસ્થિત
આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિભાઈ સોઢા, સાંસદ મિતેશભાઈ પટેલ સાથે જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબલિટીના ભાગરૂપે 45 લાખના ખર્ચે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે, આગામી દિવસોમાં નડિયાદ અને કપડવંજ ખાતે પણ આ રીતના પ્લાન્ટ ઉભા કરવામાં આવશે ત્યારે કોવિડ દર્દીઓને ઉભી થતી ઓક્સિજનની જરૂરિયાતને પૂરી કરવા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કંમ્પ્રેશરને બેલ્જીયમથી આયાત કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છેકે, આ પ્લાન્ટમાં વાપરવામાં આવેલા કંમ્પ્રેશર બેલ્જીયમથી આયાત કરવામાં આવ્યું છે. જ્યારે આ મશીનમાં ઉપયોગમાં લેવામાં આવેલા એર સેપરેટર ફિલ્ટરને ફ્રાંસથી આયાત કરેલા હોવાની જાણકારી અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ મોરબીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સરકારે લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો ફાળવ્યો
અમૂલ ડેરીએ સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉભી કરી સુવિધા
આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ દ્વારા અમૂલ ડેરીને આ આયોજન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તેમની પ્રેરણાથી અમૂલ દ્વારા કરમસદ નડિયાદ અને કપડવંજ ખાતે આ પ્રકારના પ્લાન્ટ નાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ માત્ર 7 દિવસના ટૂંકાગાળાના સમયમાં અમૂલ દ્વારા કરમસદ મેડિકલ ખાતે આ પ્લાન્ટ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેની 2000 કિલો પ્રતિ કલાકની ક્ષમતા છે. જે 60થી 70 દર્દીઓને ઓક્સિજનની જરૂયાત પૂર્ણ કરવા હોસ્પિટલમાં સુવિધા ઉભી કરી આપશે. આમ અમૂલ ડેરી દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉભી કરવામાં આવેલી સુવિધા હવે કરમસદ મેડિકલમાં સારવાર લેતા દર્દીઓને મદદરૂપ બનશે.