આણંદઃ અમુલ ડેરી દ્વારા તેના ડેરી પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટમાં દૂધ અને વિવિધ ઉત્પાદનો અંગે લોકોને જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી જાહેર મુલાકાત માટે હંમેશા પ્રોત્સાહન આપતી રહી છે. ગુજરાતમાં આણંદ ખાતે અમૂલ ડેરીના પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટમાં દરરોજ આશરે ત્રણ હજાર કરતાં વધુ મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે. પરંતુ હાલ વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના ચેપમાં વધુ ફેલાવો ન થાય તે આશયથી અમુલ ડેરી દ્વારા પ્લાન્ટની મુલાકાત પર કામચલાઉ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ 11 માર્ચ 2020 થી અમલમાં આવશે, તથા જ્યાં સુધી બીજી નોટિસ બહાર નહીં પડે ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. હાલમાં રોગને કારણે દેશભરમાં આવેલા અમૂલના 80થી વધુ અદ્યતન પ્લાન્ટમાંથી ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધની બનાવટોને કોઇ અસર થશે નહીં. તેથી અમૂલની તમામ પ્રોડક્ટ ISO સર્ટિફાઇડ ડેરી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવે છે અને કાચું દૂધ એકત્ર કરવાથી માંડીને દૂધ અને દૂધની વિવિધ પ્રોડક્ટ તથા ગ્રાહકને કરવામાં આવતા વિતરણના તમામ સ્થળે ગુણવત્તાના આકરા ધોરણોનું પાલન કરાવવામાં આવે છે. જેથી અમૂલના ઉત્પાદનોને તેની કોઈ અસર થવાની શક્યતાઓ રહેતી ન હોવાનું અમૂલના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.