આણંદ: અમૂલ નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ સોમવારે આવ્યું છે. જેમાં ઠાસરા બેઠક પરથી અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર બિન હરીફ ચૂંટાઇ આવ્યા છે. આ ઉપરાંત 11 બેઠકો પર પશુપાલકોએ પોતાના ઉમેદવારની પસંદગી માટે મતદાન કર્યું હતું. 29 ઓગસ્ટના રોજ મતદાન પૂર્ણ થયા બાદ સોમવારે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાના નિયામક મંડળની ચૂંટણીના મતની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 11 બેઠકો પર પશુપાલકોએ પસંદ કરેલા ઉમેદવારોની જીત થઈ છે.
આણંદ બેઠક
આણંદ બેઠક પર કુલ 107 મત છે. જેમાંથી સૌથી વધુ 41 મત આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આણંદ બેઠક પર પહેલાં ભરત સોલંકીના પત્ની ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા.
આ બેઠક વધુ રસાકસીભરી માનવામાં આવી રહી હતી. કારણ કે, આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો સહિત સહકારી ક્ષેત્રે આગેવાન ભરત સોલંકી વચ્ચે ત્રિકોણીય જંગ છેડાયો હતો. જેમાં કોંગ્રેસના કાંતિ સોઢા પરમાર પશુપાલકોનો વિશ્વાસ મેળવવામાં સફળ નીવડ્યા હતા.
ખંભાત બેઠક
ખંભાત બેઠક પર કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં 98 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં પૂર્વ ડિરેક્ટર ચંદુ પરમારના પત્ની ગીતા પરમાર 73 મત સાથે વિજેતા બન્યા હતા.
બોરસદ બેઠક
બોરસદ બેઠક અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારની બેઠક હતી. આ બેઠકમાં 100 ટકા મતદાન રાજેન્દ્રસિંહના પક્ષમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર જીતેન્દ્ર પટેલ દ્વારા રાજેન્દ્રસિંહ પરમારને ટેકો જાહેર થતાં રાજેન્દ્રસિંહ પરમારની જીત ચૂંટણી પહેલાં જ નિશ્ચિત થઇ હતી.
પેટલાદ બેઠક
અમૂલ નિયામક મંડળની ચૂંટણીમા સૌથી રસાકસી ભરી બેઠક પેટલાદ બેઠક હતી. આ બેઠકમાં પૂર્વ ડિરેક્ટર તેજસ પટેલને 43 મત મળ્યા હતા. આ સાથે જ વિપુલ પટેલને 45 મત મળ્યા હતા. જેથી આ બેઠક વિપુલ પટેલને મળી છે. તેજસ પટેલને 43 મળ્યા સિવાયના અન્ય મતમાં 3 જેટલા મતની અસ્વીકૃતિ થતાં આ બેઠક આવનારા સમયમાં કોર્ટના દરવાજા ખખડાવે તેવી સહકારી ક્ષેત્રે ચર્ચા ચાલી રહી છે.
બાલાસિનોર બેઠક
બાલાસિનોર બેઠક પર કુલ 86 મતદાતા હતા. જેમાંથી પાઠક રાજેશને 62 મત આપી પશુપાલકોએ વિજય બનાવ્યા છે. આ સાથે જ ચૌહાણ ઉદયસિંહ પશુપાલકોના મત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી તેમને માત્ર 24 મત મળ્યા હતા.
કઠલાલ બેઠક
કઠલાલ બેઠક પર 98 મતમાં કુલ 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ઝાલા ઘેલાભાઈ 48 મેળવી રહ્યા છે. ઝાલા ઘેલાભાઈ અગાઉ પણ અમૂલમાં ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂકયા છે, ત્યારે પશુપાલકોએ તેમીની પર પુનઃ વિશ્વાસ મૂકી તેમની ફરી પસંદગી કરી છે.
કપડવંજ બેઠક
કપડવંજ બેઠકમાં કુલ 96 જેટલા મત હતા. જેમાંથી શારદા હરી પટેલને 49 મત મળ્યા છે. જ્યારે વીણા બેન રાજેશ પટેલને 47 મત મળ્યા છે.
મહેમદાવાદ બેઠક
મેમદાવાદ બેઠક પર કુલ 97 મતમાંથી 50 સાથે ચૌહાણ જુવાનસિંહ વિજેતા બન્યા છે.
માતર બેઠક
માતર બેઠક પર કુલ 88 મત છે. જેમાં પટેલ સંજય હરિસિંહ 47 મત સાથે વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી 26 મેળવી પશુપાલકોના વિશ્વાસ જીતવામાં નિષ્ફળ નિવડ્યા હતા.
નડિયાદ બેઠક
નડિયાદ બેઠક પર કુલ 100 મત હતા. જેમાંથી પટેલ વિપુલ કાંતિભાઈ 58 મત સાથે વિજેતા બન્યા છે, જ્યારે પરમાર મધુબેનને માત્ર 41 મત મળ્યા છે.
વીરપુર બેઠક
વીરપુર બેઠકમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કુલ 88માંથી પરમાર 41 મેળવી વિજેતા બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર બેઠક પરથી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. આ સાથે જ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારને પણ 100 ટકા મત મળ્યા છે. જેથી અમૂલમાં રામાજ યથાવત રહ્યું છે.