આણંદઃ જિલ્લામાં હાલ કોરોના વાઇરસના શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં આણંદ જિલ્લામાં આવેલા નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે કેમ તે અંગે જિલ્લામાં આવેલા આવા એકમોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ અને સોજિત્રા તાલુકામાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં કોવિડ-19ના નિયમોનું (SOP) પાલન થાય છે કે, કેમ તેની પેટલાદના નાયબ કલેકટર કચેરી અને પેટલાદ તથા સોજિત્રા મામલતદાર કચેરીના સ્ટાફની સંયુકત ટીમ બનાવીને પોલીસ કર્મચારીઓને સાથે રાખીને બે દિવસ દરમિયાન પેટલાદ તાલુકામાં આવેલા 58 અને સોજિત્રા તાલુકામાં આવેલા 05 ફાર્માસ્યુટીકલ, ઔદ્યોગિક એકમો તથા ફુડની કંપની જેવા 63 જેટલા વિવિધ ઔદ્યોગિક એકમોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.
આ તપાસણી દરમિયાન તમામ ઔદ્યોગિક એકમો દ્વારા SOPs ના નિયમોનું પાલન થતું હોવાનું જાણવા મળેલું છે. પેટલાદના નાયબ કલેકટરે એક યાદી દ્વારા જણાવ્યું હતું.