વિદ્યાનગરના યુવાનો દ્વારા પીવાના પાણીની બોટલનો વ્યવસાય ચાલુ કરવામાં આવ્યો, પરંતુ આ વ્યવસાયનો આશય પૈસા કમાવવાનો નહીં, પરંતુ રાષ્ટ્ર સેવાનો છે. વિદ્યાનગરમાં મળતુ સૈનિક જલ જેનો ઉપયોગ આજે મોટાભાગના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પીવાના પાણી તરીકે કરે છે અને ગર્વથી દેશની સેવામાં સમર્પિત સૈનિકોને આર્થિક મદદ પહોંચાડે છે. રાષ્ટ્રહિત માટે ચાલુ કરવામાં આવેલી કામગીરીની પહેલ જાગૃત પટેલ નામના યુવાને કરી હતી. રેસ્ટોરેન્ટ સાથે સંકળાયેલો પારિવારિક વ્યવસાયમાં વ્યસ્ત રહેતા જાગૃત દ્વારા દેશના એક જાગૃત નાગરિકની ફરજ અદા કરવામાં આવી હતી.
સામાન્ય આવેલા એક વિચાર પર મિત્રો સાથે મળીને ‘સૈનિક જલ’ પીવાના પાણીની બોટલનું વેચાણ ચાલુ કર્યું અને તેનાથી થતા નફાને સૈનિકોના પરિવારને અર્પણ કરે છે. હાલમાં જ 26 જાન્યુઆરીથી ચાલુ કરેલા સૈનિક દળના વેચાણમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે વિદ્યાનગર ખાતે મોટાભાગની દુકાનો અને રેસ્ટોરેન્ટમાં 'સૈનિક જલ'ની માગ વધી રહી છે. હાલમાં જ જાગૃત પટેલ અને તેની ટીમ દ્વારા 11 હજાર રૂપિયાની આર્થિક સહાય શહીદ પરિવારને કરવામાં આવી છે અને આવનાર સમયમાં વધુને વધુ સહાય શહીદોના પરિવારને પહોંચાડી શકે તેઓ તેમનો દ્રઢ નિશ્ચય છે.
આજે જ્યારે નવયુવાનો ફેશન અને પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલા થયેલા છે, ત્યારે વિદ્યાનગરના યુવાને રાષ્ટ્રભક્તિને વરેલા સૈનિકો માટે જે સેવાયજ્ઞ આરંભ્યો છે તે ખરેખર વિદ્યાનગરવાસીઓ માટે ગૌરવની વાત કહી શકાય.