આણંદ કૃષિ યુનિવર્સિટીના નાવલી ખાતે આવેલા ઘાસચારા ફાર્મમા ઘાસચારો કાપવા સહિતની કામગીરી માટે સ્થાનિક લોકો મજૂરી અર્થે આવે છે. ઉચ્ચક વેતન પર મજૂરી કામ કરનારા સવિતાબેન ઠાકોર પણ છેલ્લા કેટલાક સમયથી આમ વેતન પર કામ કરતા હતા. તેમની ઉંમર આશરે 50 વર્ષ કરતાં વધુ હતી. તેમણે અનેક વાર અધિકારીઓને રજૂઆત કરી હતી કે, માત્ર નીંદણના કામ પર તેમને રાખવામાં આવે અથવા ઓછી મહેનત વાળા કામ તેમની પાસે કરાવવામાં આવે. તેમ છતાં તેમને ઘાસના કટીંગના કામમાં રાખવામાં આવ્યા હતા.
બુધવારે સવારે મશીન દ્વારા ઘાસનું કટીંગ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સવિતાબેન પણ મશીનની નજીક કામ કરી રહ્યા હતા અને અચાનક તેમની સાડીનો છેડો મશીનના ચક્કરમાં આવી જતા તેમનું ઘટના ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
ઘટનાને લઇને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે ભારે હંગામો કર્યો હતો. મૃતકના ભત્રીજાએ આ અંગે જણાવ્યું કે, કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા બેઝ પર કામ કરનારા મજૂરોનું ભારે શોષણ કરવામાં આવે છે. મજૂરોના શોષણ કરી રહેલા અધિકારીઓ મોટી ઉંમરના મજૂરો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતી રજૂઆતોને કાને ધરતા નથી અને તેમની પાસે ભારે કામ કરાવીને તેમનું શોષણ કરે છે.
બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ઘટનાને ફક્ત એક અકસ્માત જણાવી સ્વ બચાવનો પ્રયત્ન કરતા હોય તેવું નિવેદન આપવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટના અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.ભાભળાએ જણાવ્યું હતું કે, સવારે સર્જાયેલા અકસ્માતની ઘટનાને પગલે ગુનો દાખલ કરી ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.