- વિદ્યાનગર BBITના વિદ્યાર્થીએ બનાવ્યું છાણમાંથી કુંડા બનાવવાનું મશીન
- આ મશીન પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવામાં મદદ કરી શકે
- પશુપાલકો દૂધ સાથે છાણમાંથી કુંડા બનાવી આવક મેળવી શકશે
આણંદ : વિદ્યાનગર સ્થિત ભાઈલાલ ભાઈ એન્ડ ભીખાભાઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ફાઇનલ વર્ષના વિદ્યાર્થી કિરણ પ્રજાપતિ દ્વારા છાણમાંથી કુંડા બનાવવાનું મશીન વિકસાવ્યું છે. જે પ્રકૃતિ ખાતર થકી પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવામાં મદદ કરી શકે છે.
સામાન્ય રીતે નર્સરીમાં વપરાતી પ્લાસ્ટિકની બેગના ઉપયોગથી પર્યાવરણને નુકસાન થવાની ભીતિ હોય છે. ત્યારે આ વિદ્યાર્થી દ્વારા વિકસાવેલ કુંડાનો ઉપયોગ નર્સરીમાં કરવામાં આવે તો પ્લાસ્ટિકના એક યોગ્ય વિકલ્પ તરીકે ઉભરીને બહાર આવી શકશે તેમ વિદ્યાર્થીનું માનવું છે. જેમાં ખૂબ જ નજીવા ખર્ચે બનાવેલા મશીનથી કોઈપણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી છાણમાંથી કુંડા બનાવી શકે છે. એકવાર છાણને કુંડાનો આકાર આપ્યા બાદ ત્રણથી ચાર દિવસમાં તે સૂકાઈને તૈયાર થઈ જતા હોય છે. આ સાથે જ તેમાં મજબૂતી માટે માટી અને ડાંગરની ખુશકી ઉમેરવામાં આવે છે. કુંડા સુકાઈને તૈયાર થઇ ગયા બાદ તેની મજબૂતી એટલી રહેતી હોય છે કે, તે સામાન્ય રીતે તૂટતા નથી. તેમજ ખૂબ લાંબો સમય સુધી પાણીમાં પણ ઓગળતા નથી. જેના કારણે નર્સરીમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકની જગ્યાએ જો આવા કુંડાનો ઉપયોગ કરવામાં આવે તો પ્લાસ્ટિકનો વપરાશ ઘટશે. તેમજ કુંડા થકી છોડને વાવવામાં આવે તો તે જમીનને પણ ખાતર તરીકે ઉપયોગી બની શકે છે.
બી.બી.આઇ.ટીના વિદ્યાર્થીએ વિકસાવેલા મશીનને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલ ઘણી અગ્રીમ સંસ્થાઓએ આવકાર્યું છે. આ સાથે જ પેટલાદ નગરપાલિકાએ આ મશીન ખરીદી છાણમાંથી કુંડા બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે આ મશીન થકી આગામી સમયમાં પશુપાલકો દૂધ સાથે છાણમાંથી કુંડા બનાવી આવક મેળવી શકશે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.