આણંદઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
કોરોના (COVID 19)ના જિલ્લામાં આઠ કેસ પોઝીટીવ નોંધાયા છે. આ તમામ દર્દીઓ હાલ સ્ટેબલ હાલતમાં છે. જિલ્લામાં 152 દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા. અત્યારસુધીમાં સીઝનલફલુ/કોરોનાના 188 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું તેમજ જિલ્લાના 879 વ્યક્તિઓને હોમ ક્વોરોનટાઈન હેઠળ છે. તેમજ 32 વ્યક્તિઓને સરકારી ફેસીલીટીમાં ક્વોરનટાઈન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.એમ.ટી. છારીએ જણાવ્યું છે.
ખંભાત શહેરી વિસ્તારમાંથી પ્રથમ પોઝીટીવ મહિલાના ક્લોઝ ફેમીલી મેમ્બર્સના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે અન્વયે આજ રોજ તેમના પતિ (ઉમર 62) અને પુત્ર (ઉમર.33) બંનેના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જે બંને હાલ શ્રી ક્રિષ્ના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.
આંકલાવ તાલુકાના નવાખલ ખાતે દુધની ડેરી પાછળ રહેતી 26 વર્ષની સ્ત્રીનો રીપોર્ટ આજે એટલે કે રવિવારે પોઝીટીવ આવ્યો છે. જે હાલ સીવીલ હોસ્પિટલ આણંદ ખાતે આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. નવાખલ ગ્રામ્ય વિસ્તારને ક્લસ્ટર તરીકે જાહેર કરીને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
સ્પોટ ઉપર ડીસઇન્ફેક્ટની કામગીરી તથા હાઉસ ટુ હાઉસ સર્વેની સઘન કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જે પણ શંકાસ્પદ દર્દી મળશે તે તમામને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી જરૂરી સેમ્પલ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવવાનું તેમજ પોઝીટીવ આવેલા દર્દીના કોન્ટક્ટમાં આવેલા તમામ વ્યક્તિઓને શોધીને ક્વોરનટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમેર્યુ હતુ.