આણંદઃ ગુજરાતના તમામ ડેરી સહકારી સંઘની મધ્યસ્થ સંસ્થા અને અમૂલ બ્રાન્ડનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) આ વર્ષે ગોલ્ડન જ્યુબિલી વર્ષ મનાવી રહી છે. 1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી જીસીએમએમએફ હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર)નું ટર્નઓવર કરીને અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. વર્તમાનમાં સમગ્ર વિશ્વમાં અમૂલ 8મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા છે. તેણે વર્ષ 2022-23માં ગ્રૂપ ટર્નઓવરમાં વધુ રૂ.11,000 કરોડનો ઉમેરો કર્યો છે.
49મી વાર્ષિક સામાન્ય સભા(AGM):જીસીએમએમએફની 49મી વાર્ષિક સામાન્ય સભા(AGM)પછી ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં સંસ્થાએ 18.5 ટકાની વૃધ્ધિ હાંસલ કરી છે.છેલ્લા 50 વર્ષમાં આપણે ડેરી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાના સિદ્ધાંત પર સફળ રહ્યા છીએ. જે દ્રષ્ટિ સાથે જીસીએમએમએફની સ્થાપના અમારા છ સ્થાપક ત્રિભુવનદાસ પટેલ, મોતીભાઈ ચૌધરી, ગલબાભાઈ પટેલ, ભૂરાભાઈ પટેલ, જગજીવનદાસ પટેલ, જશવંતલાલ શાહ અને ડો. વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી. આપણે સમગ્ર વિશ્વના ગ્રાહકો સુધી પહોંચીને આગામી બે થી ત્રણ વર્ષમાં રૂ.1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.
અમૂલ તાજા દૂધમાં નોંધનીય 20 ટકાની વૃદ્ધિ: જીસીએમએમએફના ઈનચાર્જ એમડી જયેન મહેતાએ જણાવ્યું હતું કે નાણાંકિય વર્ષ 2022-23 દરમ્યાન આપણે આપણી મોટાભાગની ફ્લેગશિપ કેટેગરીમાં વિવિધ સીમાચિહ્નો હાંસલ કર્યા છે. અમૂલના દૂધ આધારિત પીણામાં 34 ટકાની વૃધ્ધિ થઈ છે. અમૂલ આઈસ્ક્રીમમાં 40 ટકા જેટલી વૃધ્ધિ નોંધાઈ છે. અમૂલ બટરમાં 19 ટકા તથા અમૂલ ઘીના કન્ઝ્યુમર પેકમાં 9 ટકાનો વધારો નોંધાયો છે. અમૂલ લોન્ગલાઈફ મિલ્કમાં 20 ટકાની વૃધ્ધિ, અમૂલ દહીંમાં 40 ટકાની વૃધ્ધિ, અમૂલની તાજી છાશમાં 16 ટકાની અસરકારક વૃધ્ધિ કરી છે.જ્યારે આપણી સૌથી મોટી પ્રોડક્ટ કેટેગરી અમૂલ તાજા દૂધમાં નોંધનીય 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આપણે મોટાભાગની કન્ઝ્યુમર પ્રોડક્ટસમાં હાઈવોલ્યુમ ગ્રોથ નોંધાવ્યો છે.
50થી વધુ દેશમાં હાજરીઃ જીસીએમએમએફના વાઈસ ચેરમેન વલમજી હુંબલએ જણાવ્યું હતું કે, ભારતની વસતિમાં વધારાની અને માથાદીઠ આવક વૃધ્ધિ સાથે આવનારા વર્ષોમાં સંસ્થાની વૃધ્ધિને પ્રોત્સાહન મળશે. આપણે એવા વ્યૂહાત્મક પ્રયાસો હાથ ધરી રહ્યા છીએ કે જેનાથી આપણી હાજરી ભારતના દરેક શહેર, નગર અને ગામમાં નોંધ લેવાશે. વિશ્વનું ડેરી માર્કેટ પણ વૃધ્ધિની નોંધપાત્ર તકો ધરાવે છે. આપણે હાલમાં 50થી વધુ દેશમાં હાજરી ધરાવીએ છીએ અને વ્યૂહાત્મક બજારોમાં આપણી હાજરી વિસ્તારવા માટે સક્રિય છીએ.
ઓર્ગેનિક બિઝનેસને પ્રોત્સાહનઃ સહકાર વિભાગના ખાસ મંત્રાલયની રચનાને કારણે ત્રણ મલ્ટિ-સ્ટેટ કોઓપરેટીવ્ઝની સ્થાપના કરવા માટેની પ્રેરણા મળી છે. જેમાં દેશની સહકારી સંસ્થાઓ મારફતે માલ-સામાનની નિકાસને પ્રોત્સાહન આપવા માટે નેશનલ કોઓપરેટીવ એક્સપોર્ટસ લિમીટેડ (એનસીઈએલ) તથા દેશની સહકારી સંસ્થાઓ મારફતે ઓર્ગેનિક બિઝનેસને પ્રોત્સાહન માટે નેશનલ કોઓપરેટીવ ઓર્ગેનિક્સ લિમિટેડ(એનસીઓએલ) ઉપરાંત બિયારણના ઉત્પાદન, વિતરણ અને સંશોધનમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારતીય બીજ સહકારી સમિતિ (બીબીએસએસ)નો સમાવેશ થાય છે.