બોરસદ તાલુકાના પીપળી ગામના વતનીને વિદેશ જઈ અને ભવિષ્ય બનાવવાનું સપનું સેવનારા ત્રણ નવ યુવાનો હિમાંશુ, સુનિલ અને પિયુષને મલેશિયામાં જઈ અને એજન્ટ દ્વારા ફસાવી દેવાની ઘટના સામે આવી છે. અંદાજિત ચારેક દિવસ પહેલા વાયરલ થયેલા એક વીડિયોમાં આ ત્રણે યુવાનોને મલેશિયામાં એજન્ટ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કોઈ કારમાં ઘણા લાંબા સમયથી તેમને ફેરવવામાં આવી રહ્યા છે. તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. પરિવારને પણ તેમને બચાવવા અનુરોધ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા યુવાનોના ગામ પીપળીમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમગ્ર વીડિયો અંગે ગામવાસીઓ તથા પરિવારનું એક જ રટણ છે કે તેમના પુત્રો વતન પરત ફરે અને ભારત સરકાર તેમને સહી સલામત ફરી પરત લઇ આવવા માટે શક્ય હોય તેટલી મદદ કરે. પરંતુ, હાલ આ યુવાનો મલેશિયાના કયા વિસ્તારમાં છે તથા કોના દ્વારા તેમનું કિડનેપિંગ કરવામાં આવ્યું છે અને એની પાછળ કોના હાથ છે તે અંગે કોઈ સ્પષ્ટતા ગ્રામજનો તથા પરિવાર દ્વારા કરવામાં આવી નથી. જેને લઇ હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે તે તો આવનારો સમય જ બતાવશે.
જ્યારે પરિવાર દ્વારા આણંદ જિલ્લાના સાંસદ કાર્યાલયમાં આ અંગે રજૂઆત કરી અને તેમના બાળકોને સરકારી મદદ મળી રહે તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય બાળકો આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પીપળી ગામના રહેવાથી હોવાનું ખુલ્યું છે. તથા અંદાજે એક વર્ષ અગાઉ મલેશિયા દેશમાં કિસ્મત અજમાવવા ગયા હતા.