- અમરેલીના વિવિધ તાલુકાઓમાં અનરાધાર વરસાદ
- ધારી,રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં વરસાદ
- જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે ચોમાસાનું આગમન થયું
અમરેલી: જિલ્લામાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જિલ્લામાં ધારી રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ચરખડીયાની ખારી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સિઝનમાં પ્રથમવાર નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી.
સાવરકુંડલાના આંબરડીમાં અનરાધાર વરસાદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં ચોમાસાના પ્રારંભે લોકોએ ક્યારેય વિચાર્યો ન હોય તેવો વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે ગામમાં અનારાધાર વરસાદ વરસતા ગામની મુખ્ય બજારમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ધારીની શેલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું
જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ ઉપરાંત ધારી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલાલા, વાઘવડી, વાવડી, કરેણ, લાખાપાદર, અનિડા, ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલાલામાં બાળકો વરસાદના પાણીનો આનંદ લેતા જોવા મળ્યા હતા.