અમરેલી: સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ પ્રધાન વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ મૃતદેહને પી.એમ માટે સાવરકુંડલા હોસ્પિટલ ખસેડાયો છે. મળેલી માહિતી અનુસાર તેઓની કાર અને જેસીબી વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. અકસ્માતની માહિતી મળતા રાજકીય અને સામાજિક આગેવાનો પહોંચ્યા હતા.
કાર અને જેસીબી વચ્ચે અકસ્માત: આ ઘટનાની મળતી માહિતી અનુસાર શેલણા વંડા વચ્ચે તેમની કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 108 ઈમર્જન્સી વાન મારફતે તેમને સારવાર માટે સારવકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયાના સમાચાર સામે આવ્યા હતા. અકસ્માતની જાણકારી મળતા ભાજપના પણ ઘણા નેતા તથા કાર્યકરો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. વીવી વઘાસિયાના અકસ્માતના સમાચાર સાંભળતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રૂપાણી સરકારમાં હતા પ્રધાન: વર્ષ 2012માં ભાજપના ધારાસભ્ય કાળુભાઇ વિરાણીનું પત્તુ કપાઇ ગયુ હતુ અને પક્ષ દ્વારા વી.વી. વઘાસિયાને ટીકીટ ફાળવવામાં આવી હતી. ખેતીનો વ્યવસાય કરતા વઘાસિયાએ અહિં ચાર પાંખીયા જંગમાં વિજય મેળવ્યો હતો. જો કે કોંગ્રેસના ઉમેદવારે તેમને પરસેવો વાળી દે તેવી ટક્કર આપી હતી. રૂપાણી પ્રધાન મંડળની રચના વખતે રાત સુધી બેઠકોનો દોર ચાલ્યા બાદ પ્રધાન મંડળમાં ન તો બાવકુભાઇ ઉંધાડનો નંબર લાગ્યો કે ન તો હિરાભાઇ સોલંકીનો નંબર લાગ્યો પરંતુ વી.વી. વઘાસિયાને સમાવી લેવામાં આવ્યા હતા.
રાજકીય સફર: સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય વલ્લભભાઇ વશરામભાઇ વઘાસિયાએ અમદાવાદની આંબેડકર ઓપન યુનિવર્સીટીમાંથી એફવાય, બી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ લેઉવા પટેલ જ્ઞાતિમાંથી આવે છે અને સાવરકુંડલા-લીલીયા વિસ્તાર લેઉવા પટેલ સમાજની વધુ વસતીવાળો વિસ્તાર છે. તેમણે નાના પાયે કાર્યકર તરીકેની કારકિર્દી પણ આ વિસ્તારમાંથી જ શરૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટીમાંથી જીલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચુંટાયા હતાં. જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ બન્યા હતાં.