રાજકોટની કુખ્યાત મહિલા બુટલેગર સોનુ ડાંગરે અમરેલી જિલ્લા પોલીસ વડા અને સાવરકુંડલા મહિલા પીએસઆઇ વિરૂદ્ધ અભદ્ર અને ઉશ્કેરણીજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને બન્ને પોલીસ અધિકારીઓને જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ સાવરકુંડલા PSIએ ફરિયાદ દાખલ કરાવી હતી.
ફરિયાદ નોંધીને અમરેલી પોલીસે સોનુ ડાંગરની ધરપકડ કરવા ખાસ ટીમની રચના કરી હતી. અમરેલી પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી સોનુ ડાંગર રાજસ્થાનના ઉદયપુરમાં હોવાની જાણ મળી હતી. અમરેલી પોલીસે ઉદયપુરની એક હોટેલમાંથી સોનુ ડાંગરની ધરપકડ કરી અમરેલી લાવવામાં આવી હતી.
આ અગાઉ અમરેલી પોલીસે સોનુ ડાંગરના પ્રેમી મુનાની ધરપકડ કરી હતી. જે બાદ તેને અમરેલી લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પૂછપરછ કરાઈ હતી.
આ સમગ્ર ઘટનામાં શનિવારે સોનુ ડાંગરની ધરપકડ કરવામાં આવી છે. સોનુ ડાંગર લોકોની વચ્ચે રોફ જમાવવા આવા ધમકી ભર્યા વીડિયો વાયરલ કરી લોકોમાં દહેશત ફેલાવે છે. પરંતું અમરેલી પોલીસે સોનુના સીન વિખી જેલના સળીયા પાછળ ધડેલી દીધી હતી. સોનુ ડાંગર અગાઉ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં લૂંટ, ધમકી, વસૂલી, હત્યા અને હત્યાના પ્રયાસ જેવા અનેક ગુનામાં તે સંડોવાયેલી હતી. અમરેલી પોલીસ સોનુ ડાંગર વિરૂદ્ધ આ તમામ ગુનાની કલમ લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.