અમરેલી : મહાવિનાશક તૌકતે વાવાઝોડાનો માર સહન કરનાર જાફરાબાદ શહેર આજે ફરી એક વાર ભયભીત બન્યું છે. બિપરજોય વાવાઝોડાનો ડર એટલી હદે છે કે આજે જાફરાબાદ શહેર ઘરમાં પુરાઈ ગયુ છે. જાફરાબાદની ગલીયો અને બજારો સુમસામ બની છે. જાફરાબાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જોકે માર્કેટ બંધ રાખવાની વેપારીઓને સમજાવટ માટે સ્થાનિક ધારાસભ્યો મેદાનમાં આવ્યાં હતાં.
જાફરાબાદમાં ધારાસભ્યોની અપીલ : બિપરજોય વાવાઝોડાની અસર વેગીલી બનતાં પવનની ગતિમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે. હવામાન ખાતા દ્વારા જણાવાયા પ્રમાણે 40થી 42 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. એવામાં આજે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી,નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા તેમજ સાંસદ પણ જાફરાબાદના મુલાકાત લીધી હતી જેમાં જાફરાબાદ શહેરના વેપારીઓને પોતાના ઘર પર રહી સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી હતી.
વાવાઝોડાથી બચાવ અંગે સચેત કરાયાં : જાફરાબાદ વેપારી સંગઠન દ્વારા સ્થાનિક ધારાસભ્યો દ્વારા નિર્ણયને આવકારીને શહેરની વેપારી એસોસિએશન દ્વારા જાફરાબાદ માર્કેટમાં સજજડ બંધ રાખવામાં આવ્યો હતો. હાલ ચાલી રહેલા બિપરજોય વાવાઝોડાના કારણે લોકોને ગયા વાવાઝોડાની પણ યાદ તાજી થઇ હતી. ત્યારે ગયા વર્ષના ઘા હજુ રૂઝાયાં નથી ત્યાં આ નવી એક આફતને લઈને લોકોમાં ભય છવાયો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે લોકોને વાવાઝોડાથી બચાવ અંગે સચેત કરાયાં હતાં.
સતત તંત્ર દ્વારા દેખરેખ : સામાન્ય દિવસોમા શિયાળબેટ ટાપુ અને સામાકાંઠા વચ્ચે 30 બોટો દોડતી રહે છે. ટાપુ પર જરૂરી તમામ સાધન સામગ્રી આ બોટો મારફત પહોંચે છે અને લોકોની અવરજવર પણ તેના થકી જ થાય છે. પરંતુ ત્રણ દિવસથી બધુ ઠપ છે. અહીં દરિયો શાંત છે પણ સાવચેતી ખાતર બોટની અવરજવર બંધ કરી દેવાઇ છે. પીપાવાવ તરફની જેટી પર પોલીસનો બંદોબસ્ત મુકી દેવાયો છે અને બેટ પર એસઆરડીનો બંદોબસ્ત છે જે કોઇને કાંઠે જવા દેતા નથી. સતત તંત્ર દ્વારા દેખરેખ રાખી લોકોના સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે.
વાવાઝોડાની અસર શરુ : બિપરજોય વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લાના દરિયાકાંઠા સહિતના વિસ્તારમાં ભારે પવનના સુસવાટા સાથે અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની અસર અત્યારે અમરેલીમાં વર્તાઇ રહી છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર વાવાઝોડાની સ્થિતિને પગલે સજ્જ બન્યું છે. ત્યારે 108 એમ્બ્યુલન્સની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં અત્યારે જરૂરી દવાનો જથ્થો અને જરૂરી સાધન સામગ્રી સાથે 108ની ટીમ સ્ટેન્ડ બાય છે. કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક આ ટીમ દોડી જશે.
- Cyclone Biparjoy Landfall Update : બિપરજોય વાવાઝોની અસર રાજ્યમાં જોવા મળી રહી છે, અનેક જગ્યાઓ પર નુકસાનીના દર્શયો જોવા મળી રહ્યા છે
- Cyclone Biparjoy: વાવાઝોડું મોટી વરસાદી આફત લઈને આવશે, કચ્છમાં સૌથી વધારે અસર થશે: અંબાલાલ
- Cyclone Biparjoy: વેરાવળ બંદર વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા, દરિયો બન્યો ગાંડોતુર