અમરેલી: મહાવિનાશક તૌકતે વાવાઝોડાનો માર સહન કરનાર જાફરાબાદ શહેર આજે ફરી એક વાર ભયભીત બન્યું છે. બિપરજોયનો ડર એટલી હદે છે કે આજે જાફરાબાદ શહેર સ્વેચ્છિક રીતે જ ઘરમાં પુરાઈ ગયુ છે. જાફરાબાદની ગલીયો અને બજારો સુમસામ બની છે. જાફરાબાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે.
માર્કેટમાં સજજડ બંધ: આજે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા તેમજ સાંસદ પણ જાફરાબાદના મુલાકાત લીધી હતી. જેમાં જાફરાબાદ શહેરના વેપારીઓને પોતાના ઘર પર રહી સુરક્ષીત રહેવા અપીલ કરવામાં આવી હતી. વેપારી સંગઠન દ્વારા નિર્ણયને આવકારીને શહેરની વેપારી એસોશિયેશન દ્વારા માર્કેટમાં સજજડ બંધ રાખવામાં આવ્યો હતો.

પોલીસનો બંદોબસ્ત: સામાન્ય દિવસોમા શિયાળબેટ ટાપુ અને સામાકાંઠા વચ્ચે 30 બોટો દોડતી રહે છે. ટાપુ પર જરૂરી તમામ સાધન સામગ્રી આ બોટો મારફત પહોંચે છે અને લોકોની અવરજવર પણ તેના થકી જ થાય છે. પરંતુ ત્રણ દિવસથી બધુ ઠપ્પ છે. અહીં દરિયો શાંત છે. પણ સાવચેતી ખાતર બોટની અવરજવર બંધ કરી દેવાઇ છે. પીપાવાવ તરફની જેટી પર પોલીસનો બંદોબસ્ત મુકી દેવાયો છે અને બેટ પર એસ.આર.ડી.નો બંદોબસ્ત છે. જે કોઇને કાંઠે જવા દેતા નથી. સતત તંત્ર દ્વારા દેખરેખ રાખી લોકોના સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

તંત્ર વાવાઝોડાની સ્થિતિને પગલે સજ્જ: બિપરજોય વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લાના દરિયા કાંઠા સહિત અને વિસ્તારમાં ભારે પવનના સુસવાટા સાથે અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની અસર અત્યારે અમરેલીમાં વર્તાય રહી છે. અમરેલી જિલ્લા વહિવટી તંત્ર વાવાઝોડાની સ્થિતિને પગલે સજ્જ બન્યું છે. ત્યારે 108 એમ્બ્યુલન્સની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં અત્યારે જરૂરી દવાનો જથ્થો અને જરૂરી સાધન સામગ્રી સાથે ટીમ સ્ટેન્ડ બાય છે. કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલીક આ ટીમ દોડી જશે.