અમરેલી : જિલ્લામાંથી વિકાસ કામો વેગમાં ચાલી રહ્યા છે, ત્યારે ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલાના દાતરડી ગામ પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રાજુલા પાસેથી પસાર થતો બ્રિજ બન્યા પહેલા જ ધરાશાયી થયો છે. નેશનલ હાઇવે બ્રિજ ચાલુ વિકાસે ધરાશાયી થતાં બીજ ગુણવત્તા તેમજ કામગીરી પર સવાલો ઉઠતા જવાબદાર અધિકારીઓ મૌન સેવ્યું છે. બ્રિજ ધરાશાયીનો સમગ્ર મામલો બે દિવસ પહેલાં બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા જે તે સમયનો વીડિયો બનાવી વાયરલ કરાતા સમગ્ર મામલો ઉપસ્થિત થયો હતો. આ બનાવના પગલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
અધિકારીઓનું મૌન : હાલ તો આ બ્રિજ ધરાશાયી થતાં સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા મૌન ધારણ કરી લીધી છે. પરતું આશ્ચર્યની વાત એ છે કે, આ સમગ્ર બનાવની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે પહેલાં જ ઘટના સ્થળ પરથી તૂટેલા બ્રિજના સ્લેબનો કાટમાળ પણ દૂર કરી દેવાની વાતો સામે આવી હતી. રસ્તા પર હાલ બ્રિજ બનાવવાની કામગીરી પણ ચાલુ છે. સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવતા પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસર ઘટનાસ્થળ પર તપાસ કરવા દોડ્યા હતા. ત્યારે સવાલ એ છે કે, બનાવ સ્થળ પર તૂટી પડેલા બ્રિજનો કાટમાળ જ નથી રખાયો તો પછી અધિકારીઓ તપાસ શેની કરશે.
આ પણ વાંચો : Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી
ટેકનિકલ કારણોસર ઘટના બની : દાતરડી પાસે જે બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે તેનો વિડીયો જે વ્યકિતએ બનાવ્યો છે તેનું નામ લાલભાઈ આહીર છે. તેમણે કહ્યું હતું કે, 27 તારીખે તેમને બ્રિજ તૂટ્યોની જાણ થતા તે બનાવ સ્થળ પર પહોંચ્યા હતા. તે સમય દરમિયાન હાજર કર્મીઓએ ટેકનિકલ કારણોસર ઘટના બની હોવાની વાત કરી હતી. પરંતુ, ત્યારબાદ રાત્રિના સમયે જે ગર્ડર તૂટ્યો હતો તે ખાડો કરી દાટી દેવામાં આવ્યો હતો. બીજી તરફ બંને બાજુના રસ્તા બંધ કરી અહીં કામ કરતા મજૂરોના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Bridge Scam: હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં AMC અને BJP અધિકારીને બચાવવામાં લાગી છે, વિપક્ષનો આક્ષેપ
બ્રિજ ધરાશાયી થતાં સવાલો : સામાન્ય રીતે જ્યારે કોઈ દુર્ઘટના બનતી હોય છે, ત્યારે તેમાં જવાબદારી નક્કી કરવા માટે અલગ અલગ સરકારી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. પરંતુ દાતરડી પાસે બ્રિજ ધરાશાયી થતાં સવાલો ઉઠ્યા છે કે, બ્રિજ ધરાશાયી થયા બાદ કાટમાળ દૂર કરી દેવામાં આવ્યો છે.