- રાહત નિધી વેંચણીમાં પડ્યો ભંગ
- અમરેલીમાં સરપંચ અને અન્ય ગામવાસીઓ વચ્ચે બોલાચાલી
- ઘટના અંગે કોઈ ફરીયાદ નહીં
અમરેલી: જિલ્લામાં ધારી તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તૌકતે વાવાઝોડાના કહેર બાદ હાલ તંત્ર દ્વારા સર્વે અને સહાય ચૂકવણીની કામગીરી ચાલી રહી છે. કેસડોલ ચૂકવણીનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતા ગુરુવારે કેટલાક લોકો હીમખીમડીયા પરા ગ્રામ પંચાયતની બહાર કેસડોલની માગ સાથે એકઠા થયા હતા. લોકોનું ટોળું એકઠું થઈ હુર્રિયો બોલાવતું હોય સરપંચ બહાર આવ્યા હતા અને કેટલાક લોકો સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી.
પહેલા ગાળાગાળી, પછી મારામારી
સરપંચ જ્યારે લોકો વચ્ચે વાતચીત કરી રહ્યા હતા ત્યારે જ એક યુવકે સરપંચને અપશબ્દો કહ્યા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા સરપંચે યુવકને તમાચો ઝીંકી દીધો હતો. અન્ય લોકો પણ સરપંચના સમર્થનમાં યુવક પર તૂટી પડ્યા હતા. તો બીજી તરફ ટોળામાંથી કેટલાક લોકો સરપંચ અને તેમની સાથે રહેલા લોકો પર તૂટી પડ્યા હતા અને મારામારી કરી હતી.
આ પણ વાંચો : ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 100 ટકા કેશડોલ્સ ચૂકવાઈ, CM રૂપાણીએ કરી રિવ્યુ બેઠક
કોઈ પોલીસ ફરિયાદ નહીં
હીમખીમડીયા પરા વિસ્તારમાં જાહેરમાં ગાળાગાળી અને મારામારીની ઘટના બન્યા બાદ સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાઈરલ થયો છે. જો કે, જાણવા મળ્યા મુજબ આ ઘટના મામલે હજી સુધી બંનેમાંથી કોઈપણ પક્ષે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી નથી.
આ પણ વાંચો : નાળિયેરીના પાકનું વળતર આપવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી માંગ