અમદાવાદ: શહેરના એસ.જી હાઇવે રોડ ઉપર ચાલુ મોટર સાયકલ પર સ્ટંટ કરતાં યુવકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના પગલે પોલીસે વાહનના નંબરના આધારે તપાસ કરી વાહન ચાલકની ધરપકડ કરી છે. ટ્રાફીક પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેનું વાહન પણ ડીટેઇન કર્યું છે.
સ્ટંટ કરનાર યુવકની ધરપકડ: સોશિયલ મીડિયા પર 6 જુલાઈ 2023 ના રોજ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એસ.જી હાઇવે ઉપર મોટરસાયકલ પર ચાલક ઉભો રહીને મોટરસાયકલ ચલાવતો હોય તે પ્રકારના દ્રશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતા. જે અંગે વાયરલ વીડિયો અંગે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી હતી અને વાહનના નંબરના આધારે આ મામલે વાહન ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તપાસ કરતા સ્ટંટ કરનાર વાહન ચાલક રાહુલ કુમાર મિશ્રા હોવાનું સામે આવ્યું હતું અને તે વાસણા વિસ્તારમાં રહેતો હોવાનું ખુલતા તેના ઘરે ટ્રાફિક પોલીસે તપાસ કરતા તે ઘરમાં મળી આવતા તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
'વાયરલ વીડિયો ધ્યાને આવતા જ ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. વાહન ચાલકોને પોલીસની અપીલ છે કે સ્ટંટ ન કરવો. આવી કોઈ પણ બાબત અમારા ધ્યાને આવશે તો કડક પગલાં લેવામાં આવશે.' -અપૂર્વ પટેલ, PI, ટ્રાફિક પોલીસ સ્ટેશન
સ્ટંટ કરનાર સામે પોલીસની બાજ નજર: આ સમગ્ર મામલે યુવકના ઘરેથી મોટરસાયકલ પણ મળી આવતા એસજી 1 ટ્રાફિક પોલીસ મથકમાં આરોપી સામે ગુનો દાખલ કરીને તેનું વાહન ડિટેઇન કરવામાં આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર બે દિવસ પહેલા જ મેઘાણીનગરમાં યુવકનો જાહેર રોડ ઉપર સ્ટંટ કરતો વિડિયો વાયરલ થયો હતો. જે મામલે પણ ટ્રાફિક પોલીસે ગણતરીના કલાકોમાં વાહનચાલકની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં પણ ત્વરિત કાર્યવાહી કરીને વાહન ચાલકને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો છે.