અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આવાસ યોજનામાં રહેતી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાને નોકરી શોધતા સમયે એક યુવક સાથે સંપર્ક થયો હતો. યુવકે મહિલાને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. મહિલા આંખે દિવ્યાંગ હોવાનું જાણવા છતાં યુવકે તેને પોતાની સાથે લગ્ન કરવાની લાલચ આપી પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા હતા. અંતે યુવકને સરકારી નોકરી મળતા તેણે મહિલા સાથે લગ્નનો ઇનકાર કરતા આ બાબતે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
" આ મામલે યુવક સામે દુષ્કર્મ બાબતે ગુનો દાખલ કરવામા આવ્યો છે. આરોપીને પકડવાનો બાકી હોય તેની ધરપકડ માટે ટિમો કામે લગાડી છે".-- કે.પી ચાવડા (ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ)
છૂટાછેડા થઈ ગયા: અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલા આવાસ યોજનાના મકાનોમાં રહેતી 35 વર્ષીય મહિલાએ આ બાબતને લઈને ફરિયાદ નોંધાવી છે. મહિલાને જન્મથી જ એક આંખથી સામાન્ય જોઈ શકતી હોય તેમજ બીજી આંખથી બિલકુલ જોઈ શકતી નથી. વર્ષ 2006 માં મહિલાના પ્રથમ લગ્ન બોરસદ ખાતે એક યુવક સાથે થયા હતા જે લગ્નજીવન દરમિયાન તેને 15 વર્ષની દીકરી પણ છે. જોકે વર્ષ 2010માં મહિલાના પતિનું અવસાન થયું હતું, જે બાદ વર્ષ 2014માં તેણે અન્ય યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. બાદમાં તેની સાથે પણ છૂટાછેડા થઈ ગયા હોય તે આવાસ યોજના ખાતે દીકરી સાથે એકલી રહેતી હતી
ઇન્ટરવ્યૂ માટે નવરંગપુરા: વર્ષ 2017માં મહિલા કોલ સેન્ટરની નોકરીના ઇન્ટરવ્યૂ માટે નવરંગપુરા ખાતે ગઈ હતી. ત્યારે રાકેશ સોનાર નામના ઘોડાસરના યુવક સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતાં વાતચીત થતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જે સંબંધની જાણ મહિલાના પતિને થતા તેણે અંધસમાજ થકી સમાધાન કરાવ્યું હતું. મહિલા અને પ્રેમી એકબીજાને નહીં બોલાવે તેવુ નક્કી કર્યું હતું.
શારીરિક સંબંધ બાંધ્યા: જોકે બાદમાં પણ રાકેશ સોનાર અવારનવાર મહિલાને ફોન કરતો હોય જેથી ફરીવાર વાતચીત કરવાની શરૂ કરી હતી. રાકેશે મહિલાને પોતે પગભર થઈ જાય પછી લગ્ન કરી લઈશું, તેવી લાલચ આપીને વર્ષ 2017 થી 2018 સુધી આસ્ટોડિયા ખાતે આવેલી એવરેસ્ટ હોટલમાં બે ત્રણ વાર લઈ જઈને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં વર્ષ 2018 થી લઈને અત્યાર સુધી અનેક વાર નવરંગપુરા પાસે આવેલી કળશ હોટલ ઇન ખાતે લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
ધરપકડ માટે તપાસ શરૂ: મહિલાએ રાકેશને લગ્ન કરવાની વાત કરતા તેણે પતિ જોડે છૂટાછેડા લઈ લેવા માટે જણાવતા મહિલાએ પતિ સાથે 21 જૂન 2023 ના રોજ છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં પ્રેમીને લગ્ન બાબતે વારંવાર વાત કરતા તેણે લગ્ન બાબતે વિચારીશું તેવું જણાવી ખોટો ટાઇમપાસ કરી વાયદાઓ કરતો હોય જે પછી તેને સરકારી નોકરી રેલવેમાં મોરબીના હળવદ ખાતે મળતા તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અંતે આ મામલે મહિલાએ પોતાની સાથે લગ્નની લાલચે વિશ્વાસઘાત થયો હોવાનું અહેસાસ થતા ખાડિયા પોલીસ મથકે રાકેશ સોનારા નામના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ખાડિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.