અમદાવાદઃ માનવજીવનમાં રોટી, કપડા અને મકાન આ પ્રાથમિક (World Environment Day 2022)જરૂરિયાતો છે. આ ત્રણેય પાયાની જરૂરિયાતોની વિશેષતા એ છે કે માનવી જ્યાં વસતો હોય તે પ્રદેશની ભૂગોળ તેની પર ખૂબ જ અસર કરતી હોય છે. ભારતના જુદા-જુદા ભાગોમાં ખાણી-પીણી, પોશાક અને રહેઠાણમાં અલગ-અલગ વિશેષતાઓ જોવા મળે છે. વિશ્વ પર્યાવરણ દિવસ જ્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારતના ગરમ અને ઠંડા પ્રદેશના (Hot and cold regions of India )બે શહેરો અમદાવાદ અને શિમલાના પારંપરિક મકાનોની વિશેષતા જાણીશું.
આ પણ વાંચોઃ World Environment Day 2022 : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવવાની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? જાણો...
પ્રદેશની આબોહવાને ધ્યાનમાં રાખીને બને છે મકાનો - મનુષ્ય પોતાની રહેણીકરણી, સંસ્કૃતિ, રીત-રિવાજ, ખોરાક વ્યવસાય જેવા પરિબળોને આધારે જે-તે વિસ્તારમાં મકાનની બાંધણી કરતો હોય છે. અમદાવાદ શુષ્ક, ગરમ અને મેદાની વિસ્તાર છે. અહીં પારંપરિક ઢબના મકાનો પૂર્વના પોળના વિસ્તારોમાં જોવા મળે છે. કારણ કે, સૌપ્રથમ અમદાવાદ નગર પૂર્વ વિસ્તારમાંથી વિકસીને પશ્ચિમમાં ફેલાયું. આ મકાનોમાં ઈંટ લાકડાનો વધુ ઉપયોગ જોવા મળે છે. લાકડાની વિશેષતા એ છે કે તે જલ્દી ઠંડું કે જલ્દી ગરમ થતું નથી. હવાની સતત અવર-જવર માટે બારીઓ તેમજ ઘરની બંને તરફ દરવાજા રાખવામાં આવે છે. ગરમીની અસર ઘટાડવા ઘરની દીવાલો પર ચૂનો લગાડવામાં આવે છે. વરસાદ ઓછો હોવાથી ઓછા ઢાળ વાળી છત હોય છે.
હિમાચાલના મકાનો - હિમાચલ પ્રદેશ પહાડી અને ઠંડો વિસ્તાર છે. અહીંના મકાનોમાં L શેપ આર્કિટેક્ચર જોવા મળે છે. આ મકાનના બાંધકામમાં પથ્થર અને લાકડાનો ઉપયોગ થાય છે. મકાનોમાં ઠંડીથી બચવા માટે જાડી પથ્થરની દિવાલો હોય છે અને અવર-જવર માટે નાના બારણાં હોય છે. નીચેના રૂમમાં સ્ટોરેજ રાખવામાં આવે છે જ્યારે ઉપર રહેણાક હોય છે. અંદર ગરમી જાળવી રાખવા માટે ચીમની પણ હોય છે. અહીં હિમવર્ષા થતી હોવાથી બરફને સરકવા માટે ઢાળવાળી છત હોય છે.
આધુનિક મકાનો - આધુનિક રહેણાંક તેમજ કોમર્શિયલ મકાનો પશ્ચિમી ઢબના બની રહ્યા છે. જેમાં કાચનો ઉપયોગ વધુ થાય છે. વેન્ટિલેશનની વ્યવસ્થા જોવા મળતી નથી. પરિણામે ઘર અને ઓફિસમાં એસી અને દિવસે લાઈટ ફરજિયાત થઇ ગયા છે. એનર્જી કંઝમ્પશન વધ્યું છે. ગરમીના રિફ્લેક્શનથી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આમ છત્તા આધુનિક સમયમાં વધુ લોકો સમાવી શકે તેવા નાના મકાનોની માંગ છે.એનર્જી સેવિંગ મશીનરી, પર્યાવરણ ફ્રેન્ડલી મટીરીયલ, ડિઝાઇન, વૃક્ષારોપણ અને જુના તથા આધુનીક આર્કિટેક્ચરના સમન્વયથી આ સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ.