આ વર્ષે મહિલા પોલીસે નવરાત્રી દરમિયાન રક્ષક ટીમ બનાવી છે. જે સમગ્ર શહેરમાં જ્યાં મોટા પ્રમાણમાં ખલૈયાઓ ગરબા રમે છે,ત્યાં પહોચી જશે. આવારા તત્વો પર બાઝ નજર રાખશે. પોલીસે આ વર્ષે મહિલા ક્રાઇમબ્રાન્ચની 14 ટીમો બનાવી છે. જે ટીમમાં કેટલાક સભ્યો ટ્રેડીશનલ ડ્રેસમાં પણ જોવા મળશે, જે મહિલાઓની વચ્ચે જઇને ગરબા રમવાની સાથે સાથે આસપાસની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખશે
તો બીજી તરફ મહિલા ક્રાઇમબ્રાન્ચના ACP મીની જોસેફની યુવતીઓને સલાહ છે કે, સોશિયલ મીડિયા મારફતે કોઇપણ વ્યક્તિ સાથે મિત્રતા થઇ હોય તો તેના પર વધુ પડતો વિશ્વાસ રાખવો નહીં.ઉપરાંત જ્યારે પણ તેઓ બહાર જાય છે, ત્યારે તેમના મોબાઇલનું GPS સ્ટાર્ટ કરી દેવું. જેથી કરીને તેઓ ક્યારેક કોઇ મુશ્કેલીમાં હોય, તો પોલીસ સરળતાથી તેમના સુધી પહોંચી શકે. જ્યારે તેઓ કોઇ ગ્રુપમાં કે કોઇ વ્યક્તિ સાથે બહાર જાય છે, તો તેમના હિતેચ્છુને તે વ્યક્તિનું નામ મોબાઇલ નંબર અને સરનામા સહીતની વીગતો પણ આપી રાખવી. મહિલા ક્રાઇમબ્રાન્ચની રક્ષક ટીમ ઉપરાંત તેઓ સ્થાનિક પોલીસની સી ટીમની પણ મદદ લેશે.