અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા IIM બ્રિજ પાસે થયેલી લૂંટ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓની ધરપકડ માટે તપાસમાં હતી. ત્યારે મળેલ બાતમીના આધારે ખોખરા ભાઈપુરા અર્બન હેલ્થ સેન્ટરની ગલીમાંથી 30 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. પકડાયેલી મહિલાની તપાસ કરતા ગુના સમયે તે પોતે અન્ય આરોપી સાથે બાઈક પર સવાર હોવાની કબૂલાત કરી હતી.
કેવી રીતે બની લૂંટની ઘટના: વેજલપુરમાં રહેતા વિજય ગોહિલ બોડકદેવ ખાતે બી.પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 23 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકેની નોકરી કરે છે. 5 સપ્ટેમ્બર 2023ના રોજ સાંજના સમયે નવરંગપુરા ખાતે આવેલી વી.પટેલ આંગડિયા પેઢીમાંથી પૈસા લેવા તેઓની ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા બીરેન્દ્ર બીષ્ટને પોતાની સાથે લઈ ગયા હતા. સાંજે 4:15 વાગ્યા આસપાસ 25 લાખ રૂપિયા લઈને સી.જી રોડથી નીકળી ગુલબાઈ ટેકરા થઈને પાંજરાપોળ ચાર રસ્તાથી આઇઆઇએમ તરફ પસાર થતા હતા. તે દરમિયાન પોણા પાંચ વાગ્યે આસપાસ જાહેર રોડ ઉપર તેઓની પાછળ એક મોટરસાયકલ પર એક પુરુષ અને સ્ત્રી બેઠા હતા, જેઓએ તેઓની એકટીવા પાસે પોતાની બાઈક લાવી બોલાચાલી કરી હતી. જે બાદ અચાનક પાછળ બેઠેલા પટાવાળા બીરેન્દ્ર બીષ્ટના હાથમાંથી બાઈકચાલકે 25 લાખ રૂપિયા ભરેલો થેલો ઝુંટવીને તેની પાછળ બેઠેલી મહિલાને આપી દીધો હતો. બંને જણા મોટરસાયકલ લઈને પાંજરાપોળ તરફ ભાગી ગયા હતા.
'મહિલા આરોપી અને અન્ય આરોપીઓ પર કોઈને શંકા ન જાય તે માટે તે મેડિકલ સ્ટાફમાં કામ કરતા હોય તેવું એપ્રન પહેરતી હતી. મહિલા સાથે સામેલ નકુલ તમંચે અગાઉ આંગડિયા પેઢીના પૈસા લઈને જતા વ્યક્તિ સાથે આવી જ રીતે લૂંટના 8 જેટલા ગુનામાં વોન્ટેડ હોય ત્યારે તેની અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામા આવી છે.' - ભરત પટેલ, ACP, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચે 10 લાખ રોકડ કબ્જે કરી: આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકે ગુનો નોંધાયો હતો. આ મામલે ઝડપાયેલી મહિલા પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 10 લાખ રોકડ કબ્જે કરી હતી. જેમાં 9.50 લાખ ગુજરાત યુનિવર્સિટીની, 25 લાખની લૂંટના તેમજ એલિસબ્રિજની લૂંટના 50 હજાર કબ્જે કર્યા હતા. આ કેસમાં મહિલા સાથે કુબેરનગરનો નકુલ તમંચે નામનો આરોપી સામેલ હોય તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ અલગ અલગ મોટર સાયકલ લઈ અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળતા વ્યક્તિ સાથે મોટરસાયકલ ચલાવી, બોલાચાલી કરી પૈસા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઈ જતાં હતા.