- ધંધુકા ફેદરા હાઇવેના ખડોળ ગામના પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે
- પતિની નજર સામે પત્નીએ તોડયો દમ
- ભાગી છુટેલા ટ્રકચાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરાઈ
અમદાવાદ: ધંધુકા ફેદરા હાઇવેના ખડોળ ગામના પાટીયા પાસે યમરાજ બની આવી રહેલા ટ્રકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જયો હતો. અકસ્માત અંગે ધંધુકા 108ને જાણ કરાતા પાયલોટ અનિરુદ્ધ સિંહ અને ઈએમ ટી હર્ષદ મુલાણી ઘટનાસ્થળે પહોંચી અન્ય સેવાભાવી લોકોની મદદથી કારચાલક અને મહિલાને બહાર કાઢ્યા હતા. પરંતુ આ અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત કારચાલકને ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
ધંધુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દંપતી વડોદરાથી નીકળી સારંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરવા જઇ રહ્યું હતું ત્યારે ખડોળ ગામના પાટીયા પાસે દંપતીને અકસ્માત નડ્યો હતો. કારચાલકને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. મહિલાના મૃતદેહને કબજે લઇ ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે ધંધૂકા પોલીસે ભાગી છુટેલા ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.