અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં લાખોની જનમેદની વચ્ચે સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. 6 હજાર પોલીસનો કાફલો હોવા છતાં એક પેલેસ્ટાઇન સમર્થક અથવા એક કહો તોફાની અસામાજીક શખ્સ સ્ટેડિયમમાં ઘૂસી જતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા. આ શખ્સની ઓળખ વેન જોનસન તરીકે થઈ છે. તે અચાનક મેદાનમાં ધસી આવ્યો હતો અને વિરાટ કોહલીને ગળે મળવાનો પ્રયાસ કર્યો હતો.
તોફાનીએ ખુદ પોતાની ઓળખ આપી : ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન અચાનક આવો બનાવ સામે આવતા પોલીસ કાફલામાં દોડભાગ મચી મચી ગઇ હતી. જોકે ચાલુ મેચ દરમિયાન મેદાનમાં પેલેસ્ટાઈનને સમર્થન આપતા સૂત્ર લખેલા ટીશર્ટ પહેરલ વેન જોનસન ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આ શખ્સને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આ વ્યક્તિ ખુદ જ પોતાની ઓળખ આપી રહ્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે ઓસ્ટ્રેલિયન નાગરિક છે અને અહીં વિરાટ કોહલીને મળવા પહોંચ્યો હતો.
સુરક્ષામાં છીંડુ કે તૈયારીમાં મીંડુ ! અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હતી. ગઈ કાલે રમાયેલી ચાલુ મેચમાં એક પેલેસ્ટાઇન સમર્થક એકાએક પીચ સુધી ધસી ગયો હતો. આ બનાવને કારણે પોલીસ કાફલામાં ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ફાઇનલ મેચ જોવા અનેક દિગ્ગજ હસ્તીઓ ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર હોવા છતાં પોલીસની કડી સુરક્ષાને ભેદીને આ વિદેશી યુવાન પીચ સુધી પહોંચી ગયો હતો. ત્યારે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
કોણ છે આ યુવક ? પોલીસની પૂછપરછ દરમિયાન આ યુવક ક્યાનો છે, શું નામ છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અંદર કેવી રીતે પહોંચ્યો તે અંગે દરેક માહિતી સામે આવી રહી છે. જે અનુસાર આ શખ્સનું નામ વેન જોનસન છે અને તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક અને સીડનીનો રહેવાસી છે. તેના પિતા જેનજોન ચાઈનીઝ મૂળના અને માતા મેરીલીન ફિલીપાઇન્સ મૂળની છે. મળતી માહિતી અનુસાર તે સોલાર પેનલની કંપનીમાં કામ કરે છે ઉપરાંત વીડિયો એપ ટિકટોક ઉપર પણ ઘણો સક્રિય છે.
પેલેસ્ટાઈન સમર્થક કે ફેમસ થવાનો ફંડો : આ શખ્સે પહેરેલ ટીશર્ટ પર પેલેસ્ટાઈનના સમર્થનના સૂત્રો લખેલા હોવાથી તે પેલેસ્ટાઈન સમર્થક હોવાનું માનવામાં આવી રહ્યું છે. પેલેસ્ટાઈન સપોર્ટરે ચહેરા પર માસ્ક પહેર્યું હતું તથા હાથમાં પેલેસ્ટાઈન ધ્વજ પણ હતો. આ ઘટના બાદ સુરક્ષા કર્મીઓએ તેને ઝડપી લીધો હતો અને લોકલ પોલીસને સોંપી દીધો હતો. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં બાઉન્ડ્રી વોલ ક્રોસ કરી વિરાટ કોહલી તરફ ધસી જનાર વેન જોનસન વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આગળની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.
ચોંકાવનારો ખુલાસો : પોલીસ તપાસમાં સામે આવેલ માહિતી અનુસાર આરોપી વેન જોનસનને અગાઉ પણ યુક્રેન સાથે કોઈ લેવા-દેવા ન હોવા છતાં ફક્ત પ્રખ્યાત થવા ફીફા વુમન વર્લ્ડ કપ દરમિયાન “FREE UKRAINE” લખેલી ટી શર્ટ પહેરી ગ્રાઉન્ડમાં ધસી ગયો હતો. પોતે કોઈ પણ આંતરાષ્ટ્રીય મુદ્દા સાથે તેનું કોઈ જોડાણ ન હોવા છતાં પ્રખ્યાત થવા માટે આંતરરાષ્ટ્રીય મોટી રમતની મેચોમાં સ્ટેડીયમમાં ગ્રાઉન્ડ પર અનધિકૃત પ્રવેશ કરી પ્રખ્યાત થવાનો તેનો હેતુ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે.
ફિફા વર્લ્ડ કપમાં કારનામું : ઉલ્લેખનિય છે કે, આરોપી વેન જોનસને અગાઉ ફિફા મહિલા વિશ્વ કપ ફાઇનલમાં પણ આવો જ કાંડ કર્યો હતો. તે મેચ દરમિયાન પણ આ શખ્સ “FREE UKRAINE” લખેલી ટી શર્ટ પહેરી ગ્રાઉન્ડમાં ધસી ગયો હતો. જોકે તરત જ સુરક્ષાકર્મીઓ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. બાદમાં 500 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અદાલતે દંડ પણ ફટકાર્યો : આ ઉપરાંત વેન જોનસને ઓસ્ટ્રેલિયાના સન કોર્પ સ્ટેડિયમ બ્રિસ્બેન ખાતે વર્ષ 2020 માં સ્ટેટ ઓફ ઓરીઝીન-3 ની રગ્બી મેચમાં પણ આવી રીતે પ્લેયરના ડ્રેસ કોડમાં ગ્રાઉન્ડમાં અનઅધિકૃત પ્રવેશ કર્યો હતો. રગબી મેચમાં પણ આવા કારનામા બદલ ઓસ્ટ્રેલિયન કોર્ટે 200 ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો .
પોલીસ અધિકારીઓ પર તવાઈ આવશે ? સ્ટેડિયમમાં સુરક્ષા મામલે મુખ્યપ્રધાનથી લઇને શહેર પોલીસ કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી હોવા છતાં મોટી ચૂક સામે આવી છે. ત્યારે આવનારા દિવસોમાં પોલીસ અધિકારીઓ પર તવાઇ આવે તો નવાઈ નહીં તેવી એક ચર્ચાએ પણ પોલીસ બેડામાં જોર પકડ્યું છે. નોંધનીય છે કે, બનાવટી ટિકિટ મામલે પોલીસે ધોંસ વધારી હોવા છતાં ક્યાંકને ક્યાંક ચૂક રહી હોવાનું સામે આવ્યું છે.