અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવઝોડાની અસરથી ભલે વરસાદ પડ્યો હોય પરંતુ ચોમાસુ હજુ ચાલુ થયો નથી. ઘણા વિસ્તારોમાં ભારે તો ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર ગુજરાતમાં ચોમાસુ 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે આગમન લઇ શકે છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 15થી 30 જૂન સુધીમાં મેઘો મંડાઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી: હાલમાં જ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી હતી ત્યારે હવે હજુ પણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી. બીજી બાજુ ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 26 અને 27 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.
કેરળમાં ચોમાસુ બેઠું: કેરળમાં આઠમી જૂને ચોમાસાનો આરંભ થઈ ગયો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. જોકે, આ વરસે કેરળમાં ચોમાસું સામાન્ય કરતાં એક અઠવાડિયું મોડું બેઠું હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતું. અગાઉ હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું ‘બિપારજોય’ ચોમાસાની તીવ્રતા પર અસર કરી રહ્યું છે. ચોમાસું દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્રના બાકીના વિસ્તારો, સંપૂર્ણ લક્ષદ્વીપ, કેરળના મોટાભાગના વિસ્તારમાં આગળ વધી રહ્યું છે.
ચોમાસું કોકણ વિસ્તારમાં સ્થિર: હાલ ચોમાસાની અરબી સમુદ્રની બ્રાંચ કેરળ, તામિલનાડુ, કર્ણાટકના કેટલાક વિસ્તારો તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી 11 જૂનના રોજ જ થઈ ગઈ હતી. જે બાદ ચોમાસું આગળ વધ્યું નથી, છેલ્લા 8 દિવસથી ચોમાસું કોકણ વિસ્તારમાં સ્થિર છે. 11 જૂનથી 19 જૂન સુધી ચોમાસાની પ્રગતિ થઈ નથી. હવામાન વિભાગનું કહેવું છે કે હવે એવું અનુકૂળ હવામાન સર્જાઈ રહ્યું છે કે 2થી 3 દિવસમાં ફરી ચોમાસું આગળ વધશે.