અમદાવાદઃ હવામાન ખાતાએ કરેલી એક આગાહી અનુસાર રવિવાર (તારીખ 2 જુલાઈ) પછી ચોમાસાનું જોર ઘટતું જશે. લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યભરમાં સારો વરસાદ થયો હતો. જોકે, હવે હાથીકદના કોઈ વાદળ જોવા મળતા નથી. જેથી ધોધમાર કે મૂશળધાર વરસાદ પડશે એવી સંભાવના ઓછી છે. તારીખ 1 જુનથી 1 જૂલાઈ સુધી અમદાવાદ સહિત મહાનગરમાં સામાન્ય કરતા પણ વધારે કહી શકાય એટલો વરસાદ થયો હતો.
સારા વરસાદની આશાઃ જુલાઈ મહિનામાં પણ એક અલ્પવિરામ બાદ સારો વરસાદ થશે એવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાંબરકાંઠા જિલ્લામાં 1થી 3 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. એ પછી તારીખ 5 જુલાઈના રોજ હળવા ઝાપટા પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કહી શકાય એવો વરસાદ વરસી શકે છે. જોકે, રવિવારથી છેલ્લા ત્રણ દિવસ સુધી અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સતત ભેજને કારણે આકરો તાપ ઓસર્યો હતો. પણ સતત વરસી રહેલા વરસાદને કારણે પાટનગરના કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
પાંચ જિલ્લામાં વરસાદઃ સૌરાષ્ટ્ર પંથકના જૂનાગઢ, અમરેલી, દીવ સુધી જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદર નગર હવેલી જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રવિવારથી આ વરસાદ ધીમે પડશે. 5 જુલાઈ પછી તીવ્રતા ઘટશે અને પવનોનું જોર વધે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતો માટે આ વરસાદ આફત સમાન બન્યો છે. ખાસ કરીને જૂનાગઢ પંથકમાં તોફાની વરસાદથી ભારે તારાજી થઈ છે. અનેક ખેતરમાં રહેલો પાક ધોવાઈ જતા આર્થિક રીતે ખોટ ખાવાનો વારો આવ્યો છે.