અમદાવાદ: દિવસેને દિવસે કોરોના વાઈરસનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં તમામ લોકોને સાવચેતી રાખવા માટે સતત રાજ્ય સરકાર તથા સામાજિક સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં.

બકરામંડી ભરાયેલી હોવાથી લોકો બકરા ખરીદવા માટે એકઠા થયા હતાં. જોકે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અને લીરેલીરા ઊડયા છે. 500થી પણ વધુ લોકો એકઠા થયા હોવાના સમાચારથી પોલીસ અજાણ હોવાના તર્કવિતર્ક સર્જાયા હતાં. જાહેર માર્ગ ઉપર આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો એકઠા થયા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

જોકે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની અમદાવાદ શહેર કંટ્રોલ રૂમમાં જાણ થતાની સાથે જ શહેર પોલીસ અને સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી. સાથે જ મીડિયામાં અહેવાલ પ્રસારીત થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તમામ લોકોને દૂર કર્યા હતાં. પરંતુ આ તમામની વચ્ચે એકઠા થયેલા લોકોની ભીડ બાબતને ચાડી ખાતી હતી કે જાણે લોકો કોરોના વાઈરસને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.