અમદાવાદ: સ્વચ્છ ભારત થકી દેશમાં એક ક્રાંતિ આવી છે. આવતીકાલે ગાંધી જયંતિ છે. આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં સફાઈ ઝુંબેશ જોરશોરથી ચાલુ છે. ત્યારે પશ્ચિમ રેલવે પણ તેમાંથી બાકાત નથી. અમદાવાદના કાલુપુર સ્ટેશન પર વંદે ભારત ટ્રેનમાં માત્ર 14 મિનિટમાં સફાઈ કામગીરી પૂર્ણ કરી આજે રેલવે તંત્રએ એક રેકોર્ડ બનાવી દીધો છે.
લિમિટેડ ટાઈમિંગ સાથે સફાઈ: DRM સુધીર કુમાર શર્માએ આ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારતમાં બનેલી અને વર્લ્ડ ક્લાસ ગણાતી વંદે ભારત ટ્રેન થકી એક નવો વિચાર આવ્યો કે અન્ય બાબતોમાં પણ વર્લ્ડ ક્લાસ બની શકાય છે તેવા વિચાર સાથે એક લિમિટેડ ટાઈમિંગ સાથે સફાઈ કાર્યનો વિચાર આવ્યો. જે અંતર્ગત વંદે ભારત ટ્રેનમાં એક કોચમાં 3 સફાઈ કર્મચારી રાખીને કુલ 8 કોચમાં 24 સફાઈ કર્મચારીઓએ વંદે ભારત ટ્રેનની માત્ર 14 મિનિટમાં સફાઈ કરી ચમત્કાર કર્યો હતો.
24 કર્મચારીઓ દ્વારા 14 મિનિટમાં સફાઈ: રેલમંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમમાં લિમિટેડ સમયમર્યાદામાં એક ચેલેન્જને સફળ બનાવવામાં આવી છે. ત્યારે હવે આ કાર્યક્રમ એક દિવસ નહિ પરંતુ હવે રોજ ચાલશે અને ભારતનું કલ્ચર બનશે. નોંધનીય છે કે વંદે ભારત ટ્રેનમાં કુલ 8 કોચ છે. 8 કોચમાં માત્ર 14 મિનિટમાં સફાઈ કરવી મુશ્કેલ ગણાય. પરંતુ આ મુશ્કેલ કામ માત્ર 24 કર્મચારીઓ દ્વારા યોજનાબદ્ધ રીતે 14 મિનિટમાં પૂર્ણ કરી એક ચમત્કાર કરી બતાવ્યો હતો.
કાર્યક્રમ અંગે કરાઈ સ્ટડી: જોકે આ કામ પહેલા અસંભવ જેવું લાગતું હતું, પણ કાર્યક્રમ અંગે સ્ટડી કરવામાં આવી અને પૂરી તૈયારી સાથે સ્વચ્છતા કાર્યક્રમને અમલમાં મુકતા આખરે સફળતા મળી હતી. હાલ આ કાર્યક્રમની શરૂઆત વંદે ભારત ટ્રેનથી કરવામાં આવી છે. આ કાર્યક્રમ અને વધુમાં બેઠક યોજી સમીક્ષા કરવામાં આવશે. ત્યાર બાદ રેલવે બોર્ડ દ્વારા કાર્યક્રમ અંગે જે સૂચનો આપવામાં આવશે તેના પર અમલ કરવામાં આવશે.