અમદાવાદઃ હરણી દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ગયું છે જ્યારે આ ઘટના સંદર્ભે આખા દેશમાં ચકચાર મચી જવા પામી છે. આ દુર્ઘટનાએ ગુજરાત હાઈ કોર્ટનો ઉંબરો ઓળંગી લીધો છે. ગુજરાત હાઈ કોર્ટે આ દુર્ઘટના મુદ્દે સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. જેમાં તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બોટિંગ કરી રહ્યા હતા. તે જ વખતે એક બોટ તળાવમાં ઊંધી થઈને ગરકાવ થઈ ગઈ હતી. 16ની ક્ષમતાવાળી બોટમાં 34લોકોને બેસાડ્યા હતા. તેમજ બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવામાં આવ્યા નહોતા. કોન્ટ્રાક્ટમાં પણ વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા ખો આપવામાં હોવાનું સામે આવ્યું છે. બોટ ચાલક પણ કોઈ ટ્રેઈન્ડ બોટમેન નહતો. આ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોનું કમોત થયું છે. આમ હરણી તળાવ બોટ એક્સિડન્ટમાં કુલ 14 લોકોએ જીવ ખોયો છે.
ભાજપ કનેકશનની સંભાવનાઃ મળતી માહિતી અનુસાર હરણી તળાવમાં કોટીયા પ્રોજેક્ટ્સ નામક કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. ત્યારબાદ પરેશ શાહે તળાવમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈન નામના વ્યક્તિને આપ્યો હતો. આ નિલેશે પણ સદર કોન્ટ્રાક્ટની ખો અન્ય વ્યક્તિને જ આપી હતી. આમ કોન્ટ્રાક્ટમાં પણ હેરાફેરી કરવામાં હતી. એટલુ જ નહીં સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હોવાનો આરોપ પણ તળાવ પાસે રહેલા લોકોએ લગાવ્યો હતો. આ દુર્ઘટનાને લઈને પ્રજામાં બહુ આક્રોશ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા હરણી તળાવનો કોન્ટ્રાકટ લેનાર પરેશ શાહ ભાજપના મોટા માથાઓ સાથે સંબંધ હોવાની પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ આ દુર્ઘટનાને પગલે ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાળાની આસપાસ બેરિકેટ લગાડી દેવામાં આવ્યા છે. હરણી તળાવ પરિસરને પણ વધુ તપાસાર્થે સીલ કરી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વડોદરાજ નહિ પરંતુ જે આ સમાચાર સાંભળે છે તેમનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરામાં તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. લોકો મૃતકોના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરવા સાથે જવાબદારોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.