અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રસ્તે જતા રાહદારીઓ તેમજ વાહન લઇને જતી મહિલાઓને ટાર્ગેટ બનાવીને સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ જતી ગેંગના બે આરોપીઓની નિકોલ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ પૂર્વ વિસ્તારમાં એક બે નહીં પરંતુ 23 જેટલા ગુના ચેઇન સ્નેચિંગના આચર્યા હોવાની કબુલાત કરી છે. જે બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
બે આરોપીઓની ધરપકડ: નિકોલ વિસ્તારમાંથી પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે. નિકોલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે રામદેવ ઉર્ફે બાબુ માલી તેમજ પ્રકાશ માલી નામના બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના આ બંને આરોપીઓએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના બે તેમજ ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક ગુનો આચર્યો હોવાની હકીકત સામે આવી છે. આ મામલે પોલીસે આરોપીઓ પાસેથી બે સોનાની ચેન અને મોટરસાયકલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચો વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો
પોલીસ ફરિયાદ: પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેઓએ અમદાવાદ શહેર અને જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાની કબુલાત કરી છે. જે વિસ્તારોમાં વાત કરવામાં આવે તો ઓઢવ, રામોલ, બાપુનગર, નરોડા, મેઘાણીનગર, શાહીબાગ, માધુપુરા, શહેર કોટડા, નારોલ, વિવેકાનંદનગર, કણભા, સોલા અને અડાલજ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન આ સ્નેચિંગ કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે આ મામલે ભોગ બનનાર લોકોને પોલીસ ફરિયાદ કરવા માટે પણ અપીલ કરી છે.
શક્યતાઓ જોવા મળી: પૂર્વ અમદાવાદમાં મોબાઇલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ અને ચોરી જેવી ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચેઇન સ્નેચિંગ જેવા ગંભીર ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવતા હાલ તો ચેનલ સ્નેચિંગના ગુનામાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે પકડાયેલા આરોપીઓ સામે પોલીસ દ્વારા કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી જાટે ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીઓને ઝડપી તપાસ કર્યા 23 ગુના કબૂલ કર્યા છે. અને હાલ આરોપીઓની વધુ તપાસ ચાલુ છે.