સુરત: જિલ્લામાં સતત ઓનલાઇન ચિટિંગના બનાવો વધી રહ્યા છે. લોકો સસ્તી વસ્તુઓની લાલચમાં ઓનલાઇન ચિટિંગનો ભોગ બની રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાં વધુ એક ચિટિંગનો બનાવ સામે આવ્યો છે. કામરેજના ખોલવડ ગામ મુકેશ બાબુભાઈ મેનપરા શેરડી કાપવાના લોખંડના કોઇતાનો સાઈડ બિઝનેસ કરવા માટે પંજાબથી મારુતિ એગ્રી દુકાનમાં લોખંડની પ્લેટના નમુના મારૂતી કુરીયર મારફતે મંગાવ્યા હતા.
"આ ગુનામાં અજાણ્યા આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ચીટીંગ કરી હોવાની ફરિયાદ હાલ કામરેજ પોલીસ મથકે નોંધાઇ છે. જે ફરિયાદના આધારે હાલ કામરેજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે."--પ્રકાશભાઈ મોરે (કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા)
ફ્રોડનો ભોગ બન્યા: કોઇ અજાણ્યા નંબર ઉપરથી મુકેશભાઇને ફોન કરી જણાવ્યું કે, મારૂતી કુરીયરમાંથી બોલું છું તમારું કુરિયર આવેલુ છે. કુરીયરનાં રસીદની તમારા વોટ્સએપ ઉપર લીંક મોકલી છે. જેને ઓપન કરશો તો કુરીયર બોય કુરિયર ઘરે પહોંચાડી દેશે. એવું જણાવતા મુકેશભાઈએ ઉપરોક્ત લિંક ઓપન કરી હતી. જોકે લીંક ઓપન કર્યાની ગણતરીની મિનિટોમાં જ મુકેશભાઇના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે કુલ 53 હજાર ઉપડી જતા મુકેશભાઈ ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યા હોવાનું જણાઇ આવ્યું હતું.
પરીવારનું ગુજરાન: જ્યારે અન્ય એક ઘટનામાં ભરત હરજીભાઇ કવા રહે ઓપેરા પ્રિન્સ બિલ્ડીંગ ખોલવડ ગામ કામરેજ રત્ન કલાકારનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ભરતભાઈ ફેસબુક એપમાં એડ જોઈ રહ્યા હતા. જે દરમિયાન એડમાં 99 રૂપિયામાં ઇયરફોન ખરીદવા માટે નીચે આપેલ એમેઝોન લીંક ઉપર ક્લિક કરવાનું એડમાં જણાવ્યું હતુ. ઉપરોક્ત સસ્તા ઇયરફોનની લાલચમાં આવી જઈ રત્ન કલાકાર લીંક ઓપન કરતા સામેથી એક ઓટીપી આવતા સદર લિંકમાં ભરતભાઈએ ઓટીપી શેર કરી દીધો હતો. જોકે ઓટીપી નાખવાનાં ગણતરીની મિનિટોમાં જ રત્ન કલાકારના ખાતામાંથી ટુકડે ટુકડે કુલ 47358 રૂપિયા કપાઈ જતા ભરતભાઈ ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યા હોવાનું જણાઇ આવ્યું હતું.