માહિતી પ્રમાણે, અમરેલીનો એક શખ્સ સુરતમાં હીરાનો વ્યાપાર કરે છે. આ વ્યક્તિને સોશિયલ મીડિયા થકી એક સ્ત્રી જોડે મિત્રતા થઈ હતી, જે બાદ આ સ્ત્રી મિત્રએ વેપારીને આણંદ મળવા બોલાવ્યો હતો. જ્યાં વેપારીને બીજી સ્ત્રીના ઘરે લઈ જઈ બે પુરુષો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને વેપારી પાસે રહેલા પૈસા અને ઘરેણા લૂંટી લીધા હતા. વધુમાં વેપારી પાસેથી વધારાના બીજા રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી હતી. ત્યારે આ રૂપિયાને આંગડિયા પેઢી મારફતે અમદાવાદ ખાતે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ભોગ બનનાર વેપારીના પરિવારજનો અને આંગડિયા પેઢીમાં કામ કરતાં કર્મચારીઓને શંકા જતા આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી અને પૈસા લેવા આવેલ આરોપીને આંગડિયા પેઢીમાંથી તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ આરોપીના મોબાઇલથી ભોગ બનનાર વેપારીનું લોકેશન મેળવીને તેને છૂટો કરાયો હતો.
પાંચથી છ સદસ્યોની ગેંગ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું જેમાંથી બે સ્ત્રીઓ અને બે પુરુષો ફરાર છે. જ્યારે એખ વ્યક્તિ જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે આવેલ આશુતોષ ગૌસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. વેપારીને જેના ઘરમાં રાખવામાં આવ્યો હતો તેમનું નામ અલ્પાબેન છે જ્યારે રાહુલ આયર, લાલો, સોનલ અને હિના આ ચાર આરોપીઓ ફરાર છે.