- ધંધુકા બરવાળા હાઈવે પર આવેલા નવા નાળા પર સર્જાયો અકસ્માત
- કાર ખાડામાં પછડાતા અન્ય બે કાર સાથે અથડાઇ
- અકસ્માતનું કારણ બન્યો નાળા પર પડેલો ખાડો
અમદાવાદ : છેલ્લા કેટલાક સમય પહેલા ધંધુકા-બરવાળા હાઈવેને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે નાળાઓ પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બાંધકામ કરવામાં આવ્યા હતા. આ નવા બાંધકામમાં ગુણવત્તા ન હોવાને કારણે છાશવારે નાળા પરના રોડમાં મસમોટા ખાડાઓ પડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે બુધવારે ધંધુકાથી બરવાળા જતા વચ્ચે આવતા પેટ્રોલ પંપ નજીક આવેલા નવા નાળા પર રોડની બરોબર વચ્ચે દોઢથી બે ફૂટ જેટલો મસમોટો ખાડાને કારણે અકસ્માત સર્જાયો હતો.
કાર ખાડામાં પડતા પાછળ આવતી બે કાર અથડાઇ
આ ત્રિપલ અકસ્માતમાં આગળ જતી કાર ખાડામાં પડતા પાછળ આવતી કાર આગળ જતી કાર સાથે ટકરાઈ હતી. જે બાદ તેની પાછળ આવી રહેલી કાર પણ ધડાકાભેર કારની પાછળના ભાગે ટકરાઇ હતી. આ અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પહેલા કાર ખાડામાં ખાબકતા કારનું એન્જિન તૂટી ગયું
આ જ હાઇવે પર 4 દિવસ પહેલા ખેતીવાડી ફાર્મ આગળ ભારત પેટ્રોલ પંપ નજીક નવા નાળા પર ત્રણ ફૂટ જેટલો ઊંડો ખાડોમાં ઇકો કાર ખાબકતા ટાયર ફાટી ગયું હતું. અન્ય કાર ખાડામાં ખાબકતા કારનું એન્જિન તૂટી ગયું હોવાની ઘટના પણ નોંધાઇ છે. આ અંગે ધંધુકા સ્ટેટ હાઇવેના અધિકારીઓને જાણ થતા તાકીદે માટીથી ખાડો પૂરી દેવામાં આવ્યો હતો. જોકે, યોગ્ય રીતે પાકુ સમારકામ હજૂ પણ કરવામાં આવ્યું નથી.
ગુજરાત માટે "કાળનો દિવસ", અલગ-અલગ જગ્યાએ માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત, 17થી વધુ ઇજાગ્રસ્ત
રાજ્યમાં થયેલા ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. પહેલો અકસ્માત વડોદરા હાઇવે પર થયો, જેમાં 11 લોકોના મોત થયા અને 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્થ થયા હતા. બીજો અકસ્માત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં થયો, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો. ત્રીજો અકસ્માત સુરત હાઇવે પર બસ વચ્ચે સર્જાયો, જેમાં 10 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં ત્રણ જૂદી-જૂદી જગ્યાએ અકસ્માત
પહેલો અકસ્માત વડોદરા હાઇવે પર થયો હતો. જ્યાં મીની બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં એક બાળક સહિત બે મહિલાઓનો સમાવેશ છે.
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તાત્કાલિક SSG હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ટેમ્પામાં સવાર લોકો પાવાગઢ જઇ રહ્યા હતા અને ત્યારે આ બનાવ બન્યો હતો.
સુરેન્દ્રનગર અકસ્માતમાં 4 લોકોના મોત
રાજ્યમાં બીજો અકસ્માત સુરેન્દ્રનગરમાં લખતર રોડ પર કોઠારીયા ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરત અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત
રાજ્યમાં ત્રીજો અકસ્માત સુરતમાં બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બારડોલી-કડોદરા હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે અન્ય 10 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.