અમદાવાદ: રાજ્યમા છેલ્લા 15 દિવસથી કન્જેક્ટિવાઇટિસના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.જેમાં ખાસ કરીને રાજ્યના મહાનગર આ પ્રમાણના કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ કન્જેક્ટિવાઇટિસના કેસમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં ભારે ઉછાળો થતા AMC આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
સૌથી વધુ કેસ આ હોસ્પિટલમાં: આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસની શહેરમા કન્જેક્ટિવાઇટિસના કેમ ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં દૈનિક 1600 જેટલા કેસ સામે આવી રહ્યા છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તમામ PHC અને CHC સેન્ટ્રર પર મફતમાં આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના 10 હજાર જેટલા આંખના ટીપાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
પાણીજન્ય કેસ 1200 ને પાર: અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો હતો. જુલાઈ માસમાં પાણીજન્ય કેસની સંખ્યા 1200 પાર પહોચી છે. જેમાં ઝાડા ઉલટીના 773 કમળાના 134, ટાઇફોઇડના 325 અને કોલેરાના 6 કેસ સામે આવ્યા છે.જેમાં વટવા 3 ઇન્દ્રપુરી 1, લાંભા 1 અને થલતેજમાં 1 કેસ સામે આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11738 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 350 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 3082 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી કુલ 92 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.
મચ્છરજન્ય કેસ 100ને પાર: અમદાવાદ શહેરના મચ્છરજન્ય કેસ સંખ્યા 100ને પાર પહોંચી છે. જેમાં સાદા મેલેરિયાના 37 કેસ, ઝેરી મેલેરીયાના 1,ડેન્ગ્યુના 73 અને ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે. જ્યારે લોહીના તપાસ માટે 54398 નમૂના લેવામાં આવ્યા હતા.જ્યારે ડેન્ગ્યુના સીરમના 2045 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે. વધારે કેસ આવવાના કારણે અમદાવાબ બિમારીનગર બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. આવનારા સમયમાં જો આ બિમારીને કાબૂમાં લેવામાં નહીં આવે તો વધારે લોકો આ બિમારીમાં સંપડાઇ જવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.