અમદાવાદ: અમદાવાદમાં આજે એક સાથે 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ચાર દર્દીઓ તો કાલુપુરના એક જ પરિવારના સભ્યો છે. તો બીજી બાજુ કાલુપુરના 68 વર્ષીય મશરૂફ અલી સિદ્દીકી દિલ્હીની તબગીલી જમાતમાં ગયા હતા. જે બાદ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કાલુપુર ટાવરમાં આવેલી મરકજમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. અને મરકજમાં રહેતાં 30 વ્યક્તિઓ દર્દીનાં સંપર્કમાં આવ્યા હોવાની શંકાને આધારે તમામને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.
કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા કાલુપુરને કલસ્ટર અને બફર ઝોન જાહેર કરવામાં આવશે. કાલુપુર અને બાપુનગર વિસ્તારમાં મ્યુનિસિપલ આરોગ્યની ટીમ સર્વે કરશે. શંકાસ્પદ લોકોના નમૂના લઈ અને તપાસ માટે મોકલવામાં આવશે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 38 થઈ ગયો છે. અને હાલ તંત્ર દ્વારા તબગીલી જમાતમાં ગયેલાં લોકોનાં સંપર્કમાં આવેલાં વ્યક્તિઓનું તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.