આરોપીઓ છેલ્લા છ મહીનાથી અમદાવાદમાં અવર જવર કરતા હતાં. શહેરના અલગ અલગ વિસ્તારમાં જઇને ફ્લેટો અને સોસાયટીમાં જે જગ્યાએ ઘરઘાટીની જરૂર હોય ત્યાં નોકરી પર રહેતા હતાં. બે ત્રણ દિવસ સુધી ઘરની અંદરની તમામ પરિસ્થિતિથી વાકેફ થયા બાદ પોતાના જ બીજા માણસને ઘરનું બીજુ કામ કરવાનાં બહાને બોલાવતા હતાં. જ્યારે ઘરના સભ્યો હાજર ન હોય તેમ સમયે ઘરમાંથી કિંમતી દાગીના તેમજ રોકડની ચોરી કરીને પલાયન થઇ જતાં હતાં. જ્યારે પણ તેઓ ઘરઘાટી તરીકે કામ કરતા ત્યારે પોતાનો પરિચય બનાવટી આપતાં અને ડમી સીમકાર્ડનો ઉપયોગ કરતાં. જો કે ચોરી કર્યા બાદ આ નંબર કાયમ માટે બંધ કરી દેતા હતાં. અમદાવાદમાં તેઓએ સોલા, ચાંદખેડા તેમજ શાહીબાગ વિસ્તારોમાં આ જ રીતે ચોરીને અંજામ આપ્યો છે.
આરોપીઓએ અગાઉ બે વર્ષ સુધી મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં પણ ઘરઘાટી તરીકે કામ કર્યું છે. જ્યારે ગુનાહીત ઇતિહાસની વાત કરીએ તો આરોપી રાજુ કીરે અગાઉ આઠેક મહીના પહેલા ઇન્દોરમાં ઘરઘાટી તરીકે રહીને ચોરી કરી હતી. જે ગુનામાં તેની ધરપકડ થઇ હતી અને બે મહીના સુધી ઇન્દોર સેન્ટ્રલ જેલમાં પણ રહી ચુક્યો છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે તેઓએ અન્ય કઇ કઇ જગ્યાએ ચોરી કરી છે તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે.