અમદાવાદઃ કોરોનાની વૈશ્વિક મહામારી પછી ભારતમાં ત્રણ મહિનાનું લૉકડાઉન કરવામાં આવ્યું, ધંધા રોજગારી ટોટલ બંધ રહ્યા, આવા કપરા સમયમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રજા પર બોજો નાંખવાનું ચુક્યા નથી. લૉકડાઉન હટી ગયાને એક મહિનો વીતી ગયો છે. 50 ટકા ઉદ્યોગ ધંધા હજુ શરૂ થયા નથી. નવા ઓર્ડર નથી, જૂના પેમેન્ટ છૂટા થયા નથી. આવી સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા 19 દિવસથી સતત વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતા હોય અને ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરે તે નવાઈ પમાડે તેવી વાત છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી મોંઘવારીમાં વધારો થશે અને તેનાથી સૌથી વધુ કોમનમેન દુઃખી થશે.
કોરોનાને કારણે લૉકડાઉનમાં સરકારની આવકમાં ઘટાડો થાય તે સ્વભાવિક છે. જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. તે ખાડો પુરવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી અને ગુજરાત સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં લિટરે રૂપિયા બેનો વધારો કર્યો છે, ત્યાર પછી ક્રૂડના ભાવ વધતા ગયા અને ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાનું ચાલુ કર્યું, ત્યાર માંડીને આજ દિન સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે.
દિલ્હીમાં પેટ્રોલનો લિટરે ભાવ રૂપિયા 79.66 હતો, અને ડીઝલનો ભાવ રૂપિયા 79.88 હતો. ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ થયું હતું. 9 વર્ષ પહેલા ડીઝલનો ભાવ પેટ્રોલથી 68 ટકા નીચો હતો. મે 2011માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 63.37 હતો, જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા 37.75 હતો. દિલ્હીની સરકારે 5 મેના રોજ ડીઝલનો વેટ 16.75 ટકાથી વધારીને 30 ટકા કર્યો હતો. આથી પેટ્રોલ કરતાં ડીઝલ વધારે મોંઘુ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ ઘટીને માઈનસ સુધી ગયો હતો, ત્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરાયો ન હતો, પણ હવે જ્યારે ક્રૂડના ભાવ વધવા શરૂ થયો, ત્યારે ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. આ વાત પ્રજાને ગળે ઉતરતી નથી.
પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો એ અર્થતંત્રના વિકાસ માટે અવરોધરૂપ સાબિત થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેને કારણે અનાજકઠોળ, શાકભાજી, ફળફળાદિ સહિતની ચીજ વસ્તુઓ મોંઘી થશે. આમ ફુગાવો વધીને આવશે. ત્રણ મહિનાના લૉક ડાઉનને કારણે જીડીપી ગ્રોથ તો શૂન્ય આવવાનો અંદાજ મુકાયો જ છે. આમ ફુગાવો જો વધીને આવશે તો ભારતની ઈકોનોમી ડામાડોળ થઈ જશે.
ભાવ વધારો ભારત સરકારે કરે છેઃ નિતીન પટેલ
ગુજરાત સરકારે પણ આવકની ખોટ પુરવા માટે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે રૂપિયા 2નો વધારો કરી અને આવક ઉભી કરી છે, તેમ છતાં ગુજરાતના ડેપ્યુટી સીએમ અને નાણાપ્રધાન નિતીન પટેલ પત્રકારો સાથેની વતાચીતમાં કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે, તે સમગ્ર દેશમાં લાગુ પડે છે. અને હું એમ માનું છે કે, એક નાણામંત્રી તરીકે ભારત સરકારને પણ જીએસટીની આવક અને અન્ય આવકો ઘટી ગઈ છે. જે કસ્ટમની આવક છે, તે પણ ઘટી ગઈ છે. સરકારના બધા ખર્ચા યથાવત છે અને સાથેસાથે કોરોનાને લગતી સારવાર માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને મદદ કરી રહી છે. અને આર્થિક રાહત પેકેજ આપ્યા, તેમાં ખૂબ મોટી રકમની જોગવાઈ કરવી પડી છે. આથી ભારત સરકાર તબક્કાવાર કીમતમાં વધારો કરી રહી છે.
ઈતિહાસમાં મોદી સરકારે સૌથી વધુ ભાવ વધારો કર્યો છેઃ અર્જુન મોઢવાડીયા
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સીનીયર નેતા અર્જુન મોઢવાડિયાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હું અભિનંદન આપું છું કે ભારતના ઈતિહાસમાં પહેલી વાર ડીઝલના ભાવ પેટ્રોલ કરતાં આગળ નીકળી ગયા છે. પાછલા 20 દિવસમાં જેટલો ભાવ વધારો થયો છે, તેટલો ભાવ વધારો હિન્દુસ્તાનના ઈતિહાસમાં કોઈપણ સરકારે આટલો ભાવ વધારો કયારેય નથી કર્યો. પાંચમી મેએ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં 10 રૂપિયા અને પછી 13 રૂપિયા સેન્ટ્રલ એક્સાઈઝમાં વધારો કર્યો, ભાજપ શાસિત રાજ્ય ગુજરાતમાં ટેક્સમાં રૂપિયા 2નો વધારો કર્યો છે. આમ બધુ મળીને છેલ્લા 20 દિવસમાં પેટ્રોલમાં લિટરે રૂપિયા 20.50 અને ડીઝલમાં લિટરે રૂપિયા 25.50નો વધારો થયો છે. આ કીંમતમાં વધારો ભારતના ઈતિહાસમાં સૌથી વધારે છે. છેલ્લા છ વર્ષમાં એક્સાઈઝ ડ્યૂટીમાં 12 વખત વધારો કરાયો છે. જેનાથી 18 લાખ કરોડ રૂપિયા જનતા પાસેથી લીધા છે. આજે ક્રૂડનો ભાવ 41 ડૉલર છે. પણ જ્યારે યુપીએની સરકાર હતી, ત્યારે ક્રૂડનો કીમત 140 ડૉલર પ્રતિ બેરલ હતી, 100 ડૉલર નીચો હોવા છતાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ જ્યા હતા, ત્યાને ત્યાં છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકારે લૂંટ ચલાવી રહી છે. કોંગ્રેસ માંગ કરી રહી છે કે, યુપીએ સરકાર વખતે જે એક્સાઈઝ ડયૂટી હતી, તે લેવલ પર ડયૂટીના લાવી દેવામાં આવે તો હાલ પેટ્રોલ-ડીઝલનો ભાવ રૂપિયા 35-40 આવી જાય. જનતાને તેનાથી લાભ થશે.
ફૂડ ઈન્ફલેશન વધશે, મધ્યમવર્ગ મોટી મુશ્કેલીમાંઃ હેમંતકુમાર શાહ
જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે ETV Bharat ને કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની નિતી ભારત સરકારે અખત્યાર કરી છે. તેનો પુનઃવિચાર કરવો જોઈએ. 2014-15થી લઈને 2018-19 સુધીમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ ઘટ્યા હતા, તેને કારણે 13,36,000 કરોડ રૂપિયાની બચત ભારત સરકારને થઈ છે. 2019-20માં અંદાજે રૂપિયા 70,000 કરોડની બચત થઈ છે. ડીઝલના ભાવ વધવાથી ફુગાવો વધીને આવશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જશે. જેના કારણે ફૂડ ઈન્ફલેશન રેટ વધી ગયો તો મને લાગે છે કે, મધ્યમવર્ગ અને ગરીબો માટે બહુ મોટી મુશ્કેલી ઉભી કરશે. સામે આરબીઆઈ એમ ઈચ્છી રહી છે કે, ફુગાવાનો દર 2થી 6 ટકાની વચ્ચે રહે, જો સરકાર આવી જ રીતે ડીઝલના ભાવમાં વધારો કરતી રહેશે તો ફુગાવો વધી જશે. તો તેનાથી અર્થતંત્ર પર વિપરીત અસરો ઉભી કરશે.
-ભરત પંચાલ, બ્યૂરો ચીફ,અમદાવાદ