અમદાવાદઃ ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કોસંબા એપીએમસીના પ્રમુખ અજીતસિંહ અટોદરિયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા ગત મે મહિનામાં જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેનાથી 26 સુધારા કરવામાં આવ્યા છે. સરકારનો નિર્ણય આવકાર્ય છે, પરંતુ કેટલાક સુધારાથી બજાર સમિતિના કર્મચારીઓની રોજગારી પ્રશ્નો સર્જાય છે. જેથી તેમને માર્કેટિંગ બોર્ડમાં સામેલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
સરકારના વટહુકમ સામે બજાર સમિતિના કર્મચારીઓમાં નારાજગી છે અને વટહુકમમાં બજાર સમિતિનો વિસ્તાર ઘટાડતા કર્મચારીઓના પગાર અને ખેડૂતો પર અસર થઇ રહી છે. આ કારણે રાજ્યમાં એક વર્ષમાં જ 50થી 60 ટકા બજાર સમિતિ બંધ થવાના આરે છે. કર્મચારીઓની માંગ છે કે જે વટહુકમ કરવા આવ્યો છે. તેને રદ કરવામાં આવે અને કર્મચારીઓને રોજગારી આપવામાં આવે.
તાજેતરમાં મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા સમિતિના કર્મચારીઓના આજીવિકાના પ્રશ્નો બાબતે ચિંતા કરી માર્કેટિંગ બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગુજરાતમાં કેમ સમાવેશ ન કરી શકાય. આ માંગને લઇને ત્રણ મહિના પહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જાણ કરવામાં આવી જો કે આજ દિવસ સુધી તેમણે બજાર સમિતિના કર્મચારીઓને મળવા ન બોલાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.